વડોદરા

શહેરમાં ગટરનાં ઢાંકણાં ચોરવાનું આયોજનબદ્ધ રીતે ચાલતા કૌભાંડમાં પાલિકાના કર્મચારીઓથી માંડી પોલીસતંત્રની પણ મિલીભગત હોવાનો આક્ષેપ ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસે કર્યો છે. અનેક ફરિયાદો કરવા છતાં પણ તંત્ર ચોરોને ઝડપવામાં નિષ્ફ રહેતાં હવે ટીમ રિવોલ્યુશન રાતના ઉજાગરા કરી ચોરોને ઝડપી પાડશે એમ જણાવી પડકાર ફેંકયો છે.

સ્માર્ટ સિટી વડોદરામાં ચોરીના બનાવો રોકવા માટે પોલીસ નાઇટ પેટ્રોલિંગ કરી રહી હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ દાવાની સચ્ચાઇ વચ્ચે શહેરની ગટરનાં ઢાંકણાં પણ ચોરોથી સુરક્ષિત નથી. છેલ્લા ત્રણ મહિનામાં ૧૦૦ જેટલી વરસાદી કાંસ પર લગાડવામાં આવેલા ઢાંકણાં ચોરી થયાની ઘટના સામે આવતાં શહેરના યુવા સામાજિક કાર્યકરોની ટીમ હવે નાઇટ પેટ્રોલિંગ કરીને ગટરના ઢાંકણાઓને નિશાન બનાવટી ટોળકીને પકડવા માટે આગળ આવી છે.

રાજ્યમાં વડોદરા સહિતના અનેક શહેરોને સ્માર્ટ સિટી અંતર્ગત સમાવવામાં આવ્યા છે. જેમાં નાગરિકો માટે ટેકનોલોજીની મદદથી ચોક્કસ વિસ્તારના સ્માર્ટ સિટી તરીકે ડેવલપ કરવાનું આયોજન છે. સ્માર્ટ સિટીમાં ચોરી પકડી પાડવા માટે ઠેર-ઠેર સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે, પરંતુ આ કેમેરાઓનો ઉપયોગ ચોરો પકડવાની જગ્યાએ લોકોના વિવિધ ટ્રાફિકના ભંગ બદલ મેમા ફટકારી પૈસા એકત્ર કરવામાં વધારે થયાનું શહેરવાસીઓને લાગી રહ્યું છે. તાજેતરમાં યોજાયેલી પાલિકાની ચૂંટણીમાં વડોદરા સહિત રાજ્યના તમામ શહેરોમાં ભાજપાને લોકોએ બહુમતિ આપી વિજયી બનાવ્યા છે. તમામ શહેરોમાં પાલિકાના પદાધિકારીઓ વિકાસની ગાથાને આગળ લઇ જવાની નેમ સાથે કામ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તમામ દાવાઓ વચ્ચે સ્માર્ટ સિટી વડોદરાની હકીકત કંઇક અલગ જ કહાની રજૂ કરે છે. સ્માર્ટ સિટી વડોદરામાં હવે વરસાદી કાંસ પર લગાડવામાં આવેલા ઢાંકણાં ગાયબ થવા લાગ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં શહેરના અનેક વિસ્તારોમાં સવારે કાંસના ઢાંકણાં જાેવા મળે છે, પરંતુ બીજા દિવસે તે ઢાંકણાં ચોરાઇ ગયાં હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. શહેરના સુભાનપુરા, ગોરવા, અલકાપુરી, હાઇટેન્શન રોડ, ઈલોરાપાર્ક વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનામાં કાંસ પર લગાડવામાં આવેલા ઢાંકણાં ચોરી થવાની ઘટનામાં વધારો જાેવા મળી રહ્યો છે. આશરે ૧૦૦ જેટલા ઢાંકણાં અત્યાર સુધી ચોરાઇ ગયાં છે. ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવતું નાઇટ પેટ્રોલિંગ કેટલા અંશે અસરકારક છે તેનો અંદાજાે ઢાંકણાં ચોરીના કિસ્સા પરથી લગાવી શકાય છે.

ગત રોજ ઢાંકણાં ચોરી કરવા માટેનો સીસીટીવી વીડિયો સામે આવ્યો હતો. જેમાં ચોર મોંઢે કપડું બાંધીને ચોરી કરવા માટે આવે છે. બે જણા ઢાંકણાની ચોરી માટે ફરે છે. બંને એકબીજાની મદદથી ઢાંકણું ચોરીને જતા રહે છે. સમગ્ર ઘટના ૧૨ વાગ્યા પછીની હોવાનું સીસીટીવી પરથી સામે આવ્યું હતું. સમગ્ર મામલે ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા હલકી ગુણવત્તાના ઢાંકણા કાંસ પર બેસાડવામાં આવે છે. ઢાંકણા ચોરી થયા બાદ પાલિકાતંત્ર દ્વારા નવા ઢાંકણાં મુકવામાં વિલંબ થાય છે, જેને લઇને આખરે પ્રજાએ હાલાકીનો સામનો કરવો પડે છે.