વડોદરા : સેવાસીમાં રહેતી બે સંતાનોની માતાના નામના પાંચ બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેમજ મહિલા સાથે બિભત્સ વાતચિત કરી અને નગ્ન ફોટાની માગણી કરી માનસિક ત્રાસ ગુજારનાર મહિલાના જ અમદાવાદમાં રહેતા નજીકના સંબંધી યુવકને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો. સેવાસીમાં પતિ અને ત્રણ સંતાનો સાથે રહેતા ૪૫ વર્ષીય કાવ્યાબેન (નામ બદલ્યુ છે) હાલમાં વડોદરામાં રિસેપ્શનીસ્ટ તરીકે ફરજ બજાવે છે અને પોતાના મોબાઈલ ફોનથી સોશ્યલ મિડિયા પણ સક્રીય છે. ગત ૩૦-૯-૨૦ના રોજ તેમને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વન્ડરલસ્ટ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અજાણી વ્યકિતએ બિભત્સ લખાણવાળો મેસેજ મળ્યો હતો. આ મેસેજનો તેમણે કોઈ પ્રત્યુત્તર નહી આપતા અજાણ્યા ઈસમે ઈન્સ્ટાગ્રામમાં લોડ કરેલા કાવ્યાબેનના ફોટાનો ઉપયોગ કરી કાવ્યાબેનનું બોગસ એકાઉન્ટ બનાવી આ એકાઉન્ટના માધ્યમથી તેમની સાથે બિભત્સ વાતચિતો કરી તેમની પાસે ફરી તેમના નગ્ન ફોટાની માગણી કરી હતી. જાેકે તેને એક પણ વાર પ્રત્યુત્તર નહી આપતા આ ઈસમે કાવ્યાબેનના ફોટાવાળા કુલ પાંચ બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેમની સાથે બિભ્ત્સ ચેટીંગ કરી તેમજ અઘટિત માગણીઓ કરી કાવ્યાબેન અને તેમના પરિવારજનો પર માનસિક ત્રાસ ગુજાર્યો હતો. અજાણ્યા ઈસમ દ્વારા થઈ રહેલી હેરાનગતિથી કંટાળેલા કાવ્યાબેન તેની વિરુધ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે અરજી કરી હતી. આ અરજીની પીએસઆઈ અલ્પેશ મહિડાએ તપાસ શરૂ કરી હતી. સાયબર ક્રાઈમનો ગુનાની તપાસ માટે તેમણે કાવ્યાબેનની અરજીનો ઉંડાણપુર્વક અભ્યાસ કરી તેમજ કેલિફોર્નિયામાં આવેલી ઈન્સ્ટાગ્રામ કંપની સાથે અત્રેથી પત્ર વ્યવહાર કરી તેમણે આરોપીના સગડ મેળવ્યા હતા. આરોપીના મોબાઈલ ફોન નંબરના આધારે થયેલી તપાસમાં કાવ્યાબેનના પુત્રના ઉંમરનો અને તેમના જ એકદમ નજીકનો સંબંધી ૨૧ વર્ષીય વૈભવ જગદીશ તોડકર (કેશવપાર્ક સોસાયટી, નવાનરોડા, અમદાવાદ)ની સંડોવણી સપાટી પર આવી હતી. 

આ વિગતોના પગલે તાલુકા પોલીસની ટીમે અમદાવાદ ખાતે પહોંચીને વૈભવ તોડકરને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં તેણે ઉક્ત ગુનાની કબૂલાત કરતા તેની અટકાયત કરી અત્રે લવાયો હતો. પોલીસે તેના આઈ ફોન-૭ પ્લસમાંથી કાવ્યાબેન સાથે કરેલી બિભત્સ ચેટ અને અન્ય સ્ફોટક માહિતી પોલીસે કબજે કરી હતી.

વૈભવ તોડકરની કરતુતોથી સમગ્ર પરિવાર સ્તબ્ધ

જમીન દલાલીનો વ્યવસાય કરતા વૈભવ તોડકરે તેના જ એકદમ નજીકની સંબંધી મહિલા સાથે અશ્લિલ ચેટીંગ તેમજ બિભત્સ માગણી કરી હોવાની જાણ થતા વૈભવ તેમજ ફરિયાદ કાવ્યાબેનના પરિવારજનો પણ સ્તબ્ધ બની ગયા છે. વૈભવની કરતુતોથી તેના માતા-પિતા સહિતના પરિવારજનોના માથા શરમથી ઝુકી ગયા છે જયારે વૈભવની સંડોવણી સપાટી પર આવતા કાવ્યાબેન અને વૈભવના પરિવારજનો વચ્ચેના સંબંધોમાં પણ તિરાડ પડી છે.