અમદાવાદ

શહેરના ખૂબ જ પોશ વિસ્તાર ગણાતા બોપલમાં એક બ્યૂટી પાર્લરમાં એક મહિલા હાજર હતી. આ મહિલા ટીવી જાેતી હતી ત્યારે કૂર્તિ અને પલાઝો પહેરી, મોઢે દુપટ્ટો બાંધી એક વ્યક્તિ પાર્લરમાં ઘૂસી હતી. આ વ્યક્તિએ મહિલાને એક કામ કરશો તેમ જણાવતા મહિલાને તેના દેખાવ અને હાવભાવ પર શંકા જતા તેને બહાર આવીને વાત કરવા કહ્યું હતું. જેથી આ વ્યક્તિએ મહિલાનો હાથ પકડી મોં દબાવી દીધું હતું અને ફરાર થઈ ગયો હતો. મહિલાને આ વ્યક્તિના હાવભાવ અને ચાલ પરથી લાગ્યું કે તે કોઈ યુવક હતો અને યુવતીના સ્વાંગમાં આવ્યો હતો. ઘૂમા ગામમાં રહેતી ૩૩ વર્ષીય યુવતી સાઉથ બોપલમાં બ્યૂટી પાર્લર ધરાવી બિઝનેસ કરે છે.

તેમના પાર્લરમાં અન્ય મહિલા હાજર હતી. બે મહિલા ગ્રાહકના કામ પતાવી ૩૩ વર્ષીય યુવતી પાર્લરમાં ટીવી જાેઈ રહી હતી. ત્યારે કોઈ અજાણી વ્યક્તિ ત્યાં આવી હતી. જેણે મોઢા પર માસ્ક અને દુપટ્ટો બાંધી રાખ્યો હતો. આ વ્યક્તિએ સફેદ કૂર્તિ અને કાળા રંગનો પલાઝો પહેર્યો હતો. આ વ્યક્તિએ મેરા એક કામ કરો તેવું કહેતા તેનો અવાજ પુરુષ જેવો લાગ્યો હતો. ૩૩ વર્ષીય મહિલાને અવાજ પરથી ગ્રાહક પુરુષ હોવાનું લાગ્યું હતું. કપાળ પર કાપેલા વાળ પરથી તે પુરુષ હોવાનું લાગતા તેને બહાર આવીને વાત કરવાનું જણાવ્યું હતું. જેથી આ વ્યક્તિએ આ મહિલાનું મોઢું દબાવી હાથ પકડી રાખ્યો હતો અને બાદમાં ચાલીને ભાગી ગયો હતો.

આ વ્યક્તિની ચાલ પરથી પણ તે પુરુષ હોવાનું લાગતા ગભરાઈ ગયેલી યુવતીએ પોલીસને જાણ કરી હતી. બોપલ પોલીસે આ મામલે અજાણી વ્યક્તિ સામે છેડતીનો ગુનો નોંધી રૂપ બદલીને આવેલી વ્યક્તિની સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ હાથ ધરી છે. આ મામલે બ્યૂટી પાર્લરની મહિલાએ જણાવ્યું હતું કે, “પાર્લર અંદર આવેલી વ્યક્તિ હિન્દીમાં વાત કરી રહી હતી. વાતચીત પરથી મને એ પુરુષ હોવાનું લાગ્યું હતું. જે બાદમાં તેણે મારો હાથ પકડીને દુપટ્ટાથી બાંધવાનો પ્રયાસ પણ કર્યો હતો. હું ફટાફટ બહાર નીકળી ગઈ હતી. જે બાદમાં તે પણ દુકાન બહાર નીકળીને જતો રહ્યો હતો. હું ખૂબ જ ડરી ગઈ હોવાથી બૂમાબૂમ પણ કરી શકી ન હતી.