અમદાવાદ-

અસારવા સિવિલ હોસ્પિટલમાં જંગલ રાજ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે, સિવિલનો ઘોર બેદરકારીભર્યો એક કિસ્સો આજે સામે આવ્યો છે, જેમાં જેતલપુર વિસ્તારના બાબુભાઈ ભીખાભાઈ નામના એક દર્દીના સગાને હોસ્પિટલે ફોન કરી જાણ કરી હતી કે, તમારા સગાંનું મોત થયું છે, ડેડબોડી લેવા માટે આવી જાવ. આ સમાચાર સાંભળી આઘાતમાં આવેલા પરિવારના સભ્યો ૧૨૦૦ બેડના કોવિડ ડેડબોડી વિભાગ ખાતે દોડી આવ્યા હતા અને મૃતદેહ જાેવા માટે ગયા હતા, જાેકે મૃતદેહ જાેઈને પરિવારે કહ્યું કે, આ અમારા સગાં નથી, બીજા શબ જાેયા પણ તેમના સગાં ન મળતાં પરિવારે હોબાળો મચાવી દીધો હતો, એ જ અરસામાં દર્દીનો જ વીડિયો કોલ આવ્યો ત્યારે પરિવારને ખબર પડી કે, તેમના પરિવારના સભ્ય તો જીવિત છે. આમ સિવિલ હોસ્પિટલ તંત્રની આ ગુનાઈત કહી શકાય તેવી બેદરકારીના કારણે પરિવારના જીવ તાળવે ચોંટયા હતા.

જેતલુપર ખાતે રહેતાં બાબુભાઈ ભીખાભાઈને કોરોના થતાં તેમને સિવિલમાં દાખલ કરાયા હતા,શનિવારે હોસ્પિટલ તંત્રે પરિવારને મોત અંગે ખબર કરી હતી, જેને લઈ ૧૮ જેટલા પરિવારના સભ્યો હોસ્પિટલે દોડી ગયા હતા, કોડિવ પ્રોટોકોલથી ડેડબોડી અંતિમ ક્રિયા માટે કરવાની હોવાથી સીધા જ સ્મશાને જવાનું હોવાથી આટલા સભ્યો સાથે પરિવારજનો દોડી ગયા હતા પરંતુ ડેડબોડી વિભાગમાં કોઈ બીજાે જ મૃતદેહ બતાવ્યો હતો, અન્ય મૃતદેહોમાં પોતાના સ્વજન શોધવા પ્રયાસ ચાલી રહ્યો હતો બરોબર એ જ સમયે બાબુભાઈએ વીડિયો કોલ કર્યો હતો, બાબુભાઈને જીવતાં જાેઈ પરિવારના સભ્યોની આંખમાંથી ખુશીના આંસુ સરી પડયા હતા પરંતુ હોસ્પિટલ તંત્રની નફ્ફટાઈ સામે પરિવારે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

બાબુભાઈના પરિવારજનોએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં બેદરકારીના કારણે જ મોત થઈ રહ્યા છે. બેદરકારીના કારણે જ ગરીબો પણ સારવાર માટે પૈસા ન હોવા છતાં ખાનગી હોસ્પિટલ જઈ રહ્યા છે. અમારા સગાંને પણ રજા આપી દો, અમે બીજી હોસ્પિટલમાં લઈ જઈશું. સિવિલ હોસ્પિટલમાં મોતનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી, મોતનો આ સિલસિલો રોકવા માટે સંવેદનશીલ સરકાર હજુ હરકતમાં આવી નથી, ૧૨૦૦ બેડ ડેડબોડી વિભાગ પાસે એકથી સવા કિલો મીટર સુધી એમ્બ્યુલન્સોની કતાર જામી રહી છે. મોત વધી જતાં મૃતદેહ લેવા માટે કલાકો સુધી ભરતડકે પરિવારજનો પરેશાન થાય છે, આ વિસ્તાર આસપાસ મંડપ કે ડોમ જેવી પણ સવલત કરવાની તંત્ર સંવેદનશીલતા બતાવતું નથી.