વડોદરા : વડોદરાની મુલાકાત ટાણે ગઇકાલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપેલા માર્ગદર્શન પ્રમાણે દવાખાનાઓમાં જેમને દાખલ દર્દી તરીકે જ સારવાર આપવાની જરૂર છે,માત્ર તેવા જ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે કે કેમ અને જાહેરનામાનો અમલ ચુસ્ત રીતે કરવામાં આવી રહ્યો છે કે કેમ તેની ચકાસણી કરવા ૧૦ હોસ્પિટલ ઇન્સ્પેકસન ટીમો - એચ.એસ.ટી.ની રચના કરવામાં આવી છે આ ટીમોએ તેમની નિરીક્ષણ અને ચકાસણીની કામગીરી શરૂ કરી દીધી છે. આ એચ.એસ.ટી.માં ૨૦ વરિષ્ઠ તબીબો અને બરોડા મેડિકલ કોલેજ,સયાજી અને ગોત્રી હોસ્પિટલોના તબીબી પ્રાધ્યાપકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ટીમોના સદસ્યો એ કેવી રીતે અસરકારક કામગીરી કરવી તેની રૂપરેખા અને અધિસુચના પ્રમાણેની પ્રવેશ પાત્રતા અને ચકાસણીના માપદંડોની જાણકારી વિશેષ સત્રમાં આપવામાં આવી હતી જેમાં એસોસિયેશન ઓફ પ્રાઇવેટ હોસ્પિટલસ ઓફ વડોદરા સેતુના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ ટીમોએ દવાખાનાઓમાં કોવિડ દર્દીઓને દાખલ કરવાની બાબતમાં અધિસુચનાનું પાલન કરવામાં આવ્યું છે કે કેમ તેની ચકાસણી શરૂ કરી છે અને તે સિવાયના દરદીઓને જાે દાખલ જણાશે તો તેમને હોમ બેઝ કોવિડ કેર માટેના સંજીવની અભિયાન હેઠળ મૂકશે. જે હોસ્પિટલો દાખલ દર્દીઓ માટેના ધારાધોરણો નું ઉલ્લંઘન કરતી જણાશે તેની સામે એપિડેમિક એકટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ની હેઠળ પગલાં લેવાની જાેગવાઇ છે . સેતુ દ્વારા પણ સદસ્ય દવાખાનાઓના તબીબોને રોગની ગંભીરતા અને દાખલ દર્દી તરીકે સારવાર મેળવવાની અનિવાર્યતા ચકાસીને ગાઈડ લાઈન પ્રમાણે જ દર્દીઓને દાખલ કરવામાં આવે તેની કાળજી લેવા અને કોવિડ સામેની લડાઇ ને મજબૂત કરવામાં યોગદાન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે

ગોત્રી વીકેર હોસ્પિટલના તબીબની બેદરકારીને લઈને કોરોનાના દર્દી

વૃદ્ધાના મોતનો આક્ષેપ

શહેરના ગોત્રી રોડ પર એશિયા મોલ પાસે આવેલ વિકેર હોસ્પિટલના તબીબની ઘોર બેદરકારીને લઈને કોરોનાની સારવાર લઇ રહેલ વૃદ્ધાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. આ બાબતે દર્દીના કુટુંબીજનોએ હોસ્પિટલ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ વૃદ્ધાનું સારવાર દરમ્યાન ઓક્સિજન માસ્ક નિકળી ગયુ હતુ. તેમ છતાં તબીબે એ બાબતે લગીરે ધ્યાન ન રાખતા સારવાર દરમ્યાન એમનું મોત થયુ હતું. આવી ઘોર બેદરકારી દાખવનાર ડોક્ટરનુ નામ રવી પટેલ હોવાનું જણાવ્યુ હતું.આ વૃદ્ધાને કોરોનાની સારવારને માટે ૨૯ માર્ચના રોજ સાંજે પાચ વાગે દાખલ કર્યા હતા. આ ૭૦ વર્ષીય વૃદ્ધા દમયંતીબેન કોવીડ પોઝિટિવ આવેલ હતા.જેઓને ઓક્સિજન ના મળતા મોત નીપજ્યું હોવાનું જણાવ્યું છે. આ હોસ્પિટલના તબીબ માસ્ક વિના સારવાર કરતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે.

સરકારી જાહેરાત છતાં વેક્સિનેશનનો જથ્થો ન મળતાં રસીકરણ બંધ રખાયું

વડોદરામાં કોરોનાનો કાળો કહેર યર્થાવત્‌ છે છતાં સૌ કોઈના આશ્ચર્ય વચ્ચે આજે રવિવારે વેક્સિનેશન બંધ રાખવામાં આવ્યું છે. વેક્સિનેશન સેન્ટર વધારવાની સરકારની જાહેરાતો પણ જથ્થો ન મળતાં રસી ખૂટી પડતાં આજે વેક્સિનેશન બંધ રાખવામાં આવતાં હજી કોરોના સ્થિતિ વકરે તેવી શક્યતા છે. શનિવારે જ શહેરમાં કોરોનાની રસીનો જથ્થો ખૂટી પડતાં રવિવારે તમામ સેન્ટરો પર વેક્સિનેશન બંધ રાખવાની ફરજ પડી હતી. આજે સાંજ સુધીમાં વેક્સિનનો નવો જથ્થો આવવાની શક્યતા છે, જેથી સોમવારથી રાબેતા મુજબ રસીકરણ શરૂ થઇ શકશે. કોરોનાના કારણે મૃતાંક વધતાં સ્મશાનગૃહોમાં પણ વેઈટિંગ બોલાઈ રહ્યું છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી દ્વારા રસીકરણ વધારવાની જાહેરાત બાદ બે દિવસમાં જ ફિયાસ્કો થઇ ગયો છે. રસીકરણની ઝડપ વધારવાના બદલે વધતાં સંક્રમણ વચ્ચે જ વડોદરામાં રસીકરણ બંધ કરવામાં આવ્યું છે. રૂપાણી સરકાર દ્વારા ઓલ ડે એટલે કે અઠવાડિયાના સાતેય દિવસ રસીકરણની જાહેરાત હોવા છતાં રસી ખૂટી પડતાં શહેરમાં આજે ૨૪ કલાક માટે રસીકરણ બંધ કરવામાં આવ્યું છે. હવે રસી આવી પહોંચશે ત્યારે એટલે કે સોમવારથી રાબેતા મુજબ રસીકરણ શરૂ થવાની શક્યતા છે. વડોદરા શહેરમાં કોવિશિલ્ડ રસીનો જથ્થો પૂણેથી આવે છે.

શહેરના ૨૮ અને ગ્રામ્યના ૧૧ વિસ્તારો કોરોનાની ઝપેટે ચઢ્યા

શહેરના ૨૮ અને ગ્રામ્યના ૧૧ વિસ્તારો કોરોના સંક્રમણની ઝપટે ચઢયા છે. જેમાં શહેરમાં બાપોદ, પાણીગેટ, જ્યુબિલીબાગ, કિશનવાડી, રામદેવનગર, હરણી રોડ, વારસિયા, કારેલીબાગ, વીઆઈપી રોડ, નવાપુરા, સમા, કોઠી, શિયાબાગ, સવાદ, એકતાનગર, ગાજરાવાડી, કપુરાઇ, યમુના મિલ, માણેજા, વાઘોડિયા રોડ, દંતેશ્વર, તરસાલી, તાંદલજા, ગોત્રી, ગોરવા, સુભાનપુરા, દિવાળીપુરા વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રામ્યમાં કંજત, કુરણ, હંળોડ, પાદરા, ડભોઇ, સાવલી અર્બન, નંદેસરી, ઈટોલા, પદમલા, કોયલી, પોર વગેરેનો સમાવેશ થાય છે.

ગોત્રી હોસ્પિટલ ખાતે કોવિડ ઓપીડીમાં ૧૧ પથારીનું ટ્રાયેજ શરૂ કરાયું

ગોત્રી ખાતે કોવિડ વિભાગ ઓપીડીમાં દર્દીઓની સુવિધા સુધારણા માટે ઓકસીજન સહિત ૧૧ પથારીઓનું ટ્રાયેજ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું છે.હાલમાં અહી ૧૦૦ બેડ અને ૫૦ વેન્ટિલેટર ઉપલબ્ધ છે.

સયાજી હોસ્પિટલમાં પથારીઓની ક્ષમતા વધારવામાં આવી

સયાજીની ટીમ સયાજી સાથે કોવિડ સારવારની વર્તમાન પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી પથારીની ક્ષમતા વધારવામાં આવતા,હાલમાં પાંચસો જેટલાં દર્દીઓ દાખલ હોવા છતાં ૧૦૦ જેટલાં બેડ અને ૪૫ જેટલાં વેન્ટિલેટર ઉપલબ્ધ છે. દર્દીઓને શ્રેષ્ઠ સેવાઓ મળતી રહે તે માટે તમામ નોડલ અધિકારીઓ, સેક્શન અધિકારીઓ અને આખી ટીમ સયાજી રાત દિવસ કામ કરી રહી છે.

તરસાલી શ્રીરામ રેસિડેન્સીના રહીશો દ્વારા કોવિડ સેન્ટરનો વિરોધ

તરસાલી ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવાને માટે હિલચાલ શરુ કરી દેવામાં આવી હતી.તેમજ આ માટે ર્નિણયો પણ લેવાઈ ચુક્યા હતા. જેને લઈને આસપાસના સ્થાસનીકોમાં ઉગ્ર રોષની લાગણી વ્યાપી ગઈ છે. જેને કારણે આ વિસ્તારમાં કોવિડ કેર સેન્ટરનો રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તરસાલી શ્રીરામ રેસિડેન્સીના રહીશો દ્વારા કોવિડ સેન્ટરનો વિરોધ કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કાર્ય હતા.

દંતેશ્વર સ્મશાનમાં કોરોનાના મૃતકોના અગ્નિસંસ્કાર સામે સ્થાનિકોનો વિરોધ

દંતેશ્વરના સ્મશાનમાં કોરોનાના મૃતકોના અગ્નિ સંસ્કાર કરવા સામે સ્થાનિકોનો રોષ ભભૂકી ઉઠ્‌યો છે. દંતેશ્વર ખાતે આવેલ મુક્તિધામમાં કોરોનાની ડેડ બોડી લઈ જવામાં આવતા રહીશો દ્વારા ઉગ્ર વિરોધ કરતા આ મૃતદેહને પરત લઈ જવામાં આવી હતી. આ રહીશો દ્વારા હવે પછીથી કોઈપણ કોરોનાના મૃતકને અગ્નિદાહને માટે લાવવામાં આવે નહિ એના માટે દંતેશ્વર સ્મશાન ખાતે વોચ રાખવાનું નક્કી કર્યું છે.

રાજ્યના ખોરાક અને ઔષધ કમિશનરે બેઠક યોજી ઃ ઓક્સિજન, ઇન્જેક્શન, દવાનો પૂરતો પુરવઠો મળી રહેવાનો સધિયારો આપ્યો

રાજ્યના ખોરાક અને ઔષધ કમિશ્નર ડો.હેમંત કોશિયાને વડોદરાની મુલાકાત લઈને કોવિડની સારવાર માટે જરૂરી ઓકસીજન,દવાઓ, ઇંજેક્શન અને સાધન સામગ્રીનો પુરવઠો અવિરત મળતો રહે તેની સમીક્ષા કરી હતી. સયાજી હોસ્પિટલમાં તેમની સાથે અને ઓકસીજનના સ્થાનિક ઉત્પાદકો અને પુરવઠાકારો સાથે સંયુક્ત બેઠક યોજાઈ જેમાં આગામી દિવસોમાં શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં માંગ વધે તો પણ પૂર્ણ પુરવઠો જાળવી રાખવાનું વિગતવાર આયોજન કરાયું હતું. ડો.કોશિયાએ સરકારી અને ખાનગી દવાખાનાઓમાં રેમડેસિવિર અને અન્ય દવાઓ,તબીબી સાધન સામગ્રીની સરળ ઉપલબ્ધિ અંગે બેઠકમાં આશ્વસ્ત કર્યા હતા.