આણંદ : બોરસદમાં રહેતી 15 વર્ષીય સગીરાને ચાર વર્ષ પહેલાં મેરેજ કરવાની લાલચ આપી આરોપીએ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવમાં આણંદ જિલ્લા કોર્ટે પુરાવાઓના આધારે આરોપીને દોષિત ઠેરવીને દસ વર્ષની સખત કેદ અને વીસ હજારના દંડની સજા ફટકારી છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ, બોરસદ તાલુકાના એક ગામમાં રહેતી 15 વર્ષીય સગીરાને ડ્રાઈવર તરીકેે કામ કરતો ગોવિંદ ઊર્ફે ગોયલો ફુલા ઠાકોર (રહે. વીજળીમાતા સીમ) સાથે પરિચય થયો હતો. દરમિયાન બંને જણાં અવાર-નવાર એકબીજાને મળતાં હતાં. સગીરા સાથે મેરેજ કરવા ગોવિંદ ઊર્ફે ગોયલો દબાણ કરતો હતો અને કહેતો હતો કે, તું મારી સાથે મેરેજ નહીં કરે તો હું દવા પીને મરી જઈશ અને તારૂં નામ આવશે. યુવકની ધમકીથી ગભરાયેલી સગીરા 20મી નવેમ્બર, 2016ના રોજ તેનાં ઘરેથી ભાગી ગઈ હતી. યુવક તેણીને બાઈક પર બેસાડી વડદલા ગામે ફોઈના દીકરાનાં ઘરે લઈ ગયો હતો. દરમિયાન એ પછી ત્યાંથી વિરોજા અને વડોદરા તરફ લઈ ગયો હતો અને રાત ત્યાં રોકાયાં હતાં. જ્યાં તેેણે સગીરાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. 

બીજી તરફ સગીરાના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. જોકે, તેનો કોઈ પત્તો મળતો નહોતો. જેને પગલે પરિવારજનોએ સગીરાના ગુમ થયાંની ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાન થોડાં દિવસ બાદ બંને જણાં પોલીસ સ્ટેશને હાજર થતાં પરિવારજનોની ફરિયાદના આધારે બોરસદ ગ્રામ્ય પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ યુવક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ પોલીસની તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઈ હતી. આ કેસ આણંદના સ્પેશિયલ પોસ્કો જજ એસ.ડી. પાંડેયની કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં બંને પક્ષની દલીલો પૂર્ણ થયાં બાદ કોર્ટે આરોપીને દુષ્કર્મ, અપહરણ અને પોસ્કોના ગુનામાં દસ વર્ષની સખત કેદ અને રૂપિયા વીસ હજારનો દંડની સજા ફટકારી હતી. આરોપી દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ફટકારી છે.

ધી ગુજરાત વિક્ટીમ કમ્પન્સેશન સ્કીમ 2019 અંતર્ગત દુષ્કર્મના કેસમાં પીડિતાને ઓછામાં ઓછું ચાર લાખ અને વધુમાં વધુ સાત લાખ વળતર ચૂકવવામાં આવેે છે. આ કેસમાં કેસને લગતાં તમામ સાંયોગિક પુરાવા મળી આવતાં કોર્ટે પીડિતાને રૂપિયા ચાર લાખ વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો. આ વળતરની રકમ નિયમ મુજબ ભોગ બનનારને મળી રહે તે હેતુ અને વિનંતી સાથે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી, આણંદ તરફ આ હુકમની એક નકલ મોકલી આપવા પણ આદેશ કર્યો છે.