બિજીંગ-

વાસ્તવિક નિયંત્રણ રેખા પર બંને દેશો વચ્ચે ચાલી રહેલી તંગદીલીને ખતમ કરવા માટે ભારત-ચીનના સેનાધિકારીઓ વચ્ચેની 10મા સ્તરની બેઠક ચાલુ થઈ ગઈ છે. કમાંડર સ્તરની આ વાટાઘાટોમાં ગોગરા ગરમ ઝરા અને દેપસાંગમાંથી બંને પક્ષે પહેરો પાછો ખેંચી લેવા વિશે ચર્ચા થઈ શકે છે. આજની બેઠક ચીન તરફના માલ્ડો વિસ્તારમાં થઈ રહી છે. 

અત્યાર સુધીની 9 બેઠકોમાં પૂર્વીય લદ્દાખમાં ઉત્તરી અને દક્ષિણી પેંગોંગ સરોવર વિસ્તારમાંથી સૈનિકોને પાછા ખેંચી લેવા બાબતે વાટાઘાટો થઈ હતી. સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે, પાછા ખેંચી લેવાયેલા સૈનિકો પોતપોતાના ઠેકાણે ચાલ્યા ગયા છે. લદ્દાખના પેંગોંગ સરોવર પરથી ચીની સૈનિકો પાછા હટી રહ્યા છે. ભારતીય સેનાએ મંગળવારે ચીની સેના પાછી હટી રહી હોવાના ફોટા તેમજ વિડિયો જાહેર કર્યા હતા. આ મુજબ ચીની સેના પાછી જઈ રહી છે, એટલું જ નહીં પણ ચીનની સેનાએ આ વિસ્તારમાંથી પોતાના બંકરો પણ હટાવી લીધા છે અને પોતાના તંબુઓ તોપ અને ગાડીઓ પણ હટાવી લીધી છે. ચીને આ વિસ્તારમાં દસેક મહિના સુધી સૈનિકોને ગોઠવી દીધા હતા.