સુરત-

સુરતના પલસાણા હાઈવે પર આવેલી જે.ડી. રેસ્ટોરન્ટમાં ધોળે દિવસે ૫થી ૬ ગાડીમાં આવેલા ૨૦થી ૨૫ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. લાકડી, પાઇપ અને ધારદાર હથિયારો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાના લાઈવ વીડિયો સામે આવ્યા છે. જ્યારે રેસ્ટોરન્ટના માલિકે જણાવ્યું હતું કે, સગીરાને લઈને આવેલા યુવકને રૂમ ન આપતા ઉશ્કેરાયેલો યુવક ટોળાને લઈને આવ્યો હતો અને તોડફોડ કરી હતી.

પલસાણા હાઇવે પર જે.ડી. નામની રેસ્ટોરન્ટ આવેલી છે. રેસ્ટોરન્ટમાં અજાણ્યા અસામાજિક તત્વો ઘસી આવ્યા હતા. ફોચ્ર્યુનર જેવી ૫થી ૬ લક્ઝુરિયસ કારમાં આવેલી ૨૦થી ૨૫ અસામાજિક તત્વો પહોંચી ગયા હતા. લાકડી, પાઇપ અને ધારદાર હથિયારો દ્વારા આતંક મચાવી ભારે તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટનાના વીડિયો સામે આવ્યા છે. હાઇવે પર આવેલ હોટલો કે રેસ્ટોરન્ટ પર આરીતની અવારનવાર ઘટના બનતી હોય છે. રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી બધા અસામાજિક તત્વો ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં કડોદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે.

જે.ડી. રેસ્ટોરન્ટના માલિકે જણાવ્યું હતું કે, ધવલ અકબરી નામનો યુવાન રૂમ માટે આવ્યો હતો અને સાથે ૧૮ વર્ષથી ઓછી ઉંમરની છોકરી હતી. રૂમ આપવા બાબતે કાઉન્ટર પર કામ કરનારે કહ્યું હતું કે, ૧૮ વર્ષથી નીચેની ઉંમરની છોકરી એલાઉડ નથી. ત્યારબાદ રૂમ નહીં આપો તો તમારી રેસ્ટોરન્ટ નહીં ચાલવા દેવાની ધમકી આપી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, ધવલ અકબરી કામરેજ ખાતે રહે છે. ૫૦ જેટલા લોકો તોડફોડ કરવા આવ્યા હતા. ઈનોવા અને ફોચ્ર્યુનર કાર હતી. પહેલા મને ખોટી રીતે ફોન કરી બ્લેકમેઈલ કરતા હતા. ૫ લાખ રૂપિયાની પણ માંગણી કરી હતી. હાલ તો તોડફોડ સાથે કાઉન્ટરમાં જે રૂપિયા હતા તે લઈ ગયા છે. કામ કરનારાનો ચેઈન અને ત્રણ જેટલા મોબાઈલ પણ લૂંટી ગયા છે. આ ઘટનામાં એક છોકરાને હાથ પર અને એકને માથામાં ઈજા થઈ છે.