શ્રીનગર-

જમ્મુ-કાશ્મીરમાં સેનાની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકવાદી હુમલો થયો છે. બારામુલા જિલ્લાના સોપોરના હાઇગામ વિસ્તારમાં શંકાસ્પદ આતંકીઓએ પેટ્રોલીંગ પાર્ટી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સેનાના એક જવાને ઈજાઓ પહોંચી છે. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ બુધવારે પુલવામા જિલ્લાના કામરાજીપોરામાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. કામરાજીપોરાના સફરજનના બગીચામાં બે બે આતંકવાદીઓ છુપાયેલા છે તેવા સુરક્ષા દળોને ઇનપુટ મળ્યો હતો. ત્યારબાદના ઓપરેશનમાં એક આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે એક સૈનિક પણ શહીદ થયો હતો.

આતંકીઓએ હાયગામની એક હોટલ નજીક સેનાની સંયુક્ત નાકા પાર્ટી, CRPF અને પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી, પરંતુ આતંકીઓ સ્થળ પરથી ફરાર થવામાં સફળ રહ્યા હતા.એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકીઓની ફાયરિંગમાં સેનાનો એક જવાન ઘાયલ થયો છે અને તેની સારવાર કરવામાં આવી રહી છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.