જમ્મુ-કાશ્મીર-

જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા પૂર્વ એસપીઓ ફૈઝ અહેમદ અને તેની પત્ની અને પુત્રીની હત્યા મામલે પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે 'મારી પાસે અવંતીપોરામાં થયેલ ડરપોક હુમલાની નિંદા કરવા માટે કોઈ શબ્દ નથી, જેમાં જેકેપીના એક અધિકારી ફૈઝ અહેમદ, તેની પત્ની અને પુત્રીએ જીવ ગુમાવ્યો હતો. અલ્લાહ તેમને મગફિરત આપે અને તેમના પ્રિયજનોને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે."

જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના હરિપરીગામ વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓએ પૂર્વ એસપીઓ ફૈઝ અહેમદ અને તેની પત્નીની ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ ઘટનામાં પોલીસ અધિકારીની પુત્રી પણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. હવે પુત્રીનું પણ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. આ કેસમાં મોતનો આંકડો વધીને ત્રણ થઈ ગયો છે. પોલીસના જણાવ્યા મુજબ આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કર્યું છે કે, આંતકીઓએ અવંતિપોરા વિસ્તારના હરિપરિગામમાં એસપીઓ ફૈઝ અહેમદના ઘરે બળજબરીથી પ્રવેશ કર્યો હતો અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ આતંકી હુમલામાં એસપીઓના પત્ની અને પુત્રી ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં પત્ની નજીકની હોસ્પિટલમાં મૃત્યુ પામી હતી અને હવે પુત્રીનું પણ મોત નીપજ્યું હતું. પોલીસે જણાવ્યું કે આ ફાયરિંગ રાત્રે 11 વાગ્યાની આસપાસ થઈ હતી.

પરિવારના ત્રણ સભ્યોનું મોત

પોલીસે જણાવ્યું હતું કે, હુમલા પછી તરત જ ત્રણેયને નજીકની આરોગ્ય સુવિધામાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પૂર્વ એસપીઓ ફૈઝ અહેમદને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ પછી તેમની પત્ની અને હવે પુત્રીનું અવસાન થયું. તેમની પત્ની, જેની ઓળખ રાજા બાનો (48 વર્ષ) અને પુત્રીની ઓળખ રાફિયા જાન (25 વર્ષ) તરીકે થાય છે, પરિસ્થિતિ ગંભીર હોવાને કારણે તેને SKIMS શ્રીનગર રિફર કરાઈ હતી.