દિલ્હી-

આગામી પ્રજાસત્તાક દિવસે દેશભરમાં અનેક સ્થળે ત્રાટકીને શાંતિને ડહોળવાનો કારસો આતંકવાદી સંગઠનો દ્વારા ઘડાઈ રહ્યો હોવાનું રાજધાનીની સુરક્ષા એજન્સીઓને જાણવા મળ્યું છે. જો કે, તંત્રએ પૂરી તૈયારી કરીને આવા કોઈ હુમલાને ખાળવા માટે કમર પણ કસી છે. 

મળતા સમાચાર મુજબ, આગામી દિવસોમાં રોહિંગ્યા ઘૂસણખોરોનું એક કટ્ટરવાદી જૂથ દિલ્હી ઉપરાંત બિહારના બોધિ ગયા અને ઉત્તર પ્રદેશના અયોધ્યા જેવા સ્થળે આતંકવાદી હુમલો કરવાની ફિરાકમાં છે. આ જૂથોએ દેશમાં સક્રિય આતંકવાદી જૂથો સાથે હાથ મિલાવી લીધા છે. આ આતંકવાદી હુમલો ગંભીર હોવાનું જાણવા મળે છે, અને તે માટે રોહિંગ્યા કટ્ટરવાદીઓને તાલીમ પણ અપાઈ રહી છે. ખાલીસ્તાન, જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પૂર્વીય રાજ્યોના આતંકવાદી જૂથોએ સાથે મળીને કાવતરું ઘડ્યું હોવાના સમાચાર મળ્યા છે અને તે માટે રોહિંગ્યા કટ્ટરવાદીઓના એક જૂથને પ્રશિક્ષણ આપવાનું પણ શરૂ કરી દેવાયું છે. એમ મનાય છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 અને 35 હટાવવા બદલ પણ આ સંગઠનો બદલાની કાર્યવાહી કરવા માંગે છે. તંત્રે ખેડૂતોના રેલીસ્થળ, પ્રજાસત્તાકદિન પરેડ ગ્રાઉન્ડ અને એ પ્રકારના અનેક જાહેર સ્થળોએ સુરક્ષાનો જાપ્તો વધારી દીધો છે અને હાઈ એલર્ટ આપી દીધો છે.