નવી દિલ્હી-

અમેરીકન કંપની ટેસ્લાએ ભારતમાં એન્ટ્રી કરી લીધી છે. ટેસ્લા દુનિયાની સૌથી મોટી ઈલેક્ટ્રીક કાર બનાવતી કંપની છે. હવે આ કંપનીએ પોતાનું એક યુનિટ ભારતમાં રજીસ્ટર કરાવ્યું છે. કંપનીએ જે પ્રકારનું ફાઈલીંગ કરાવ્યું છે, એ જાેતાં બેંગલુરુ પાસે ટેસ્લા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડનો પ્લાન્ટ સ્થપાશે. અહીં આ કંપની સંશોધન અને વિકાસ એકમ સાથે ઉત્પાદન પણ કરવાની છે.

કંપની અહીં લક્ઝરી કારોનું ઉત્પાદન અને વેપાર કરશે. ભારતમાં આ કંપની ત્રણ મોડલ ઉત્પન્ન કરી શકે છે. કર્ણાટકના મુખ્યમંત્રી યેદુરપ્પાએ આ કંપનીને ભારતમાં આવકારી છે. વૈભવ તનેજા, વેંકટરંગમ શ્રીરામ અને ડેવિડ જાેન ફેંસ્ટીન એમ ત્રણ ડાયરેક્ટરો ધરાવતી આ કંપનીનો રજીસ્ટર નંબર ૧૪૨૯૭૫ છે. તનેજા ટેસ્લાના સીએફઓ છે, જ્યારે ફેંસ્ટીન આ કંપનીમાં માર્કેટ એક્સેસ માટેના ગ્લોબલ સિનિયર ડાયરેક્ટર બનશે.

આ પહેલાં ગયા વર્ષે ઓક્ટોબરમાં એલન મસ્કે ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, તેઓ ૨૦૨૧માં ભારતમાં પ્રવેશ કરશે. એક ટિ્‌વટર યુઝર દ્વારા પૂછાયેલા સવાલનો તેમણે જવાબ આપ્યો હતો. આ પહેલાં ૨૦૧૯માં પણ તેઓ ભારત આવવા માંગતા હતા. ગત વર્ષ એટલે કે, ૨૦૨૦માં કોરોનાએ કંપનીના આયોજન પર પાણી ફેરવી દીધું હતું.