દિલ્હી-

બેંકમાં નવ કરોડની બ્લેક મની વટાવનાર ગૌરવ સિંઘલની દિલ્હી પોલીસની આર્થિક ગુના વિંગ (EW) એ ધરપકડ કરી છે. નોટબંધી બાદ શાહદરાના રહેવાસી આરોપીએ બેંકમાં સાત ખાતા ખોલાવી બનાવટી દસ્તાવેજો પર પૈસા જમા કરાવ્યા હતા. બાદમાં તેણે ઇન્ટરનેટ અને મોબાઈલ બેંકિંગ દ્વારા તમામ પૈસા પાછા ખેંચી લીધા હતા અને તેને અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. ગૌરવ છેલ્લા કેટલાક વર્ષોથી ફરાર હતો.

આર્થિક ગુના શાખાના જોઇન્ટ કમિશનર, ડો.ઓ.પી. મિશ્રાએ કહ્યું કે આવકવેરા અધિકારી રાજેશકુમાર ગુપ્તાએ નકલી દસ્તાવેજો પર ખાતા ખોલવા અને નોટબંધી બાદ બેંકમાં 9 કરોડ રૂપિયાના કાળા નાણાં જમા કરાવ્યાની ફરિયાદ પોલીસને કરી હતી. આરોપીએ બેંક ખાતું ખોલવા માટે બનાવટી ઓળખકાર્ડ, પાનકાર્ડ અને વિવિધ ફોટાઓનો ઉપયોગ કર્યો હતો.

ફરિયાદ પછી, વર્ષ 2018 માં પોલીસે કેસ નોંધ્યો અને કેસની તપાસ શરૂ કરી, તો જાણવા મળ્યું કે એકાઉન્ટ બે અલગ અલગ યોગેશ કુમાર અને રાહુલ જૈનના નામે ખોલવામાં આવ્યા હતા. તમામ ખાતામાં ગૌરવ સિંઘલનો મોબાઇલ નંબર આપવામાં આવ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે તે ખાતાઓમાં જમા કરાયેલ નાણાં પાછળથી મોબાઇલ અને ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા પાછા ખેંચવામાં આવ્યા હતા. આ પછી પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસના ડરથી આરોપી નાસી છૂટયો હતો. ગૌરવ ટ્રાંસ-યમુના, રોહિણી અને નોઇડા વગેરેમાં છુપાયો હતો. 

દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે તે તેના ઘરની નજીક પી.જી.માં રહે છે. જે બાદ 24 ડિસેમ્બરે પોલીસ ટીમે ગૌરવને નવીન શાહદરા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી શરૂઆતમાં વિશ્વાસ નગરની કેબલ વાયર કંપનીમાં સુપરવાઈઝર હતો. બાદમાં તે કેટલાક લોકોના સંપર્કમાં આવ્યો અને વેટ અને જીએસટીનું બનાવટી બિલ બનાવવાનું શરૂ કર્યું.