વડોદરા

મુળ ઉત્તરપ્રદેશનો વતની અને હાલમાં નવાયાર્ડ વિસ્તારમાં આવેલી આશાપુરી ચાલીમાં રહેતો ૨૨ વર્ષીય ઈકરારખાન એઝાદખાન પઠાણ તેના પાડોશી સાથે ઝઘડો કરતો હોઈ તેના વિરુધ્ધ પાડોશી મહિલાએ ફતેગંજ પોલીસ મથકમાં અરજી કરી હતી. આ અરજીની અદાવતે ઈકરારખાન ફરી તેના પાડોશીઓ સાથે ઝઘડો-હુમલો ના કરે તે માટે પોલીસે ગત ૨૩મી ફેબ્રુઆરી-૨૧ના રાત્ર સવા નવ વાગે તેની ૧૫૧ હેઠળ અટકાયત કરી અને તેને પોલીસ મથકના લોકઅપમાં રાખ્યો હતો. આ બનાવમાં ચેપ્ટર કેસ કરવાનો હોઈ પોલીસે તેને લોકઅપમાંથી બહાર કાઢી ફતેગંજ પોલીસ મથકના એએસઆઈ રસિકભાઈએ તેને નિવેદન લેવા માટે ઈન્વે રૂમમાં તેમની પાસે બેસાડ્યો હતો.

દરમિયાન ઈકરારખાને તેને શૈાચક્રિયા માટે જવાની વાત કરતા પોલીસ તેને શૈાચાલયમાં લઈ ગઈ હતી જયાંથી તેને પરત ઈન્વે રૂમમાં લાવતી વખતે તે આશરે સવા દસ વાગે તે પોલીસ જવાનોને ચકમો આપી પોલીસ મથકના મુખ્ય દરવાજાથી બહાર રોડ પર દોટ મુકી હતી અને પોલીસ જવાનોએ તેનો પીછો કરવા છતાં તે પોલીસને ચકમો આપી ફરાર થયો હતો. આ બનાવની તેના વિરુધ્ધ ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવની શહેર ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી જેમાં ફરાર આરોપી ઈકરારખાન અત્રેથી ભાગીને તેના વતન ઉત્તરપ્રદેશ ખાતે એટા જિલ્લાના ભરગેન ગામમાં છુપાયેલો હોવાની વિગતો મળી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેના ગામમાં પહોંચી વોચ ગોઠવી હતી અને વહેલી સવારે ઈકરારખાનના ઘરમાં છાપો મારી તેને નિંદ્રાધીન હાલતમાં ઝડપી પાડ્યો હતો. ઈકરારખાનને અત્રે લાવીને ફતેગંજ પોલીસને સોંપાતા પોલીસે તેની ધરપકડ કરી હતી.