વડોદરા : સુભાનપુરા વિસ્તારમાં રહેતી યુવતીના ફ્લેટમાં દારૂની મહેફિલ માણ્યા બાદ તે જ યુવતી પર તેના મિત્રએ બળાત્કાર ગુજારવાના અને બળાત્કારના કારણે હતાશામાં સરી પડેલી યુવતીએ ફાંસો ખાઈને આપઘાત કરવાના ચકચારભર્યા બનાવમાં ધરપકડ કરાયેલા બંને આરોપીઓની લક્ષ્મીપુરા પોલીસે આજે સમા ખાતે એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષ ઓળખ પરેડ કરાવી હતી. આ ઓળખ પરેડમાં હાજર પિડિતા યુવતીની બે બહેણપણીઓ સહિત પાંચ મિત્રોએ બંને આરોપીઓને ઓળખી બતાવ્યા હતા.

સુભાનપુરા વિસ્તારમાં આવેલા ફ્લેટમાં એકલી રહેતી રાષ્ટ્રીય કક્ષાની કબડ્ડી પ્લેયર ૧૯ વર્ષીય યુવતી ખાનગી કંપનીમાં ફરજ બજાવતી હતી. ગત ૬ઠ્ઠી તારીખે તેના સહકર્મચારી મિત્રો અને બહેનપણીએ તેના ફ્લેટ પર દારૂની મહેફિલ યોજી હતી અને બહેનપણી રવાના થતા જ મહેફિલમાં હાજર સહકર્મચારી મિત્રો ૧૯ વર્ષીય દિશાંત દિપક કહાર (શિવમ એપાર્ટમેન્ટ, નવાપુરા) અને ૨૧ વર્ષીય નાઝીર ઈસ્માઈલ મિર્ઝા (ફતેપુરા, ભાંડવાડા) પૈકી દિશાંતે યુવતી પર હુમલો કરી પાશવી બળાત્કાર ગુજાર્યો હતો જે ઘટના બાદ હતાશામાં સરી પડેલી યુવતીએ ૧૦મી તારીખે પિતાના ઘરે જઈ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવની લક્ષ્મીપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે દિશાંત અને નાઝીરની ધરપકડ કરી બંનેને રિમાન્ડ મેળવ્યા છે. આ ગુનાની એસીપી બકુલ ચૈાધરી અને ઈન્ચાર્જ પીઆઈ આર સી કાનમિયાએ તપાસ શરૂ કરી આજે બંને આરોપીઓની ઓળખ પરેડ કરાવવાની કામગીરી હાથ ધરી હતી.

આજે બંને આરોપીઓને સમા મામલતદાર કચેરી ખાતે પોલીસ પહેરા વચ્ચે લઈ જવાયા હતા જયાં એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષ આરોપીઓની ઓળખ પરેડ હાથ ધરાઈ હતી. ઓળખ પરેડમાં આ બનાવની મુખ્ય સાક્ષી એવી યુવતી સાથે દારૂની મહેફિલમાં હાજર બહેનપણી દેવિકા તેમજ બળાત્કાર બાદ બંને આરોપીઓ ફરાર થાય તે અગાઉ ફ્લેટ પર તપાસ માટે પહોંચેલો યુવતીનો બોયફ્રેન્ડ સુમન્તો તેમજ સુમન્તોએ ફોન કરતા ફ્લેટ પર આવી પહોંચેલા યુવતીનો માનેલો ભાઈ કૈાશલ, માનેલી બહેન રૂચિતા અને સુમન્તોએ ફોન કરીને બોલાવેલા મિત્ર રિમાન્શુને આજે ઓળખપરેડમાં હાજર રખાયા હતા. બળાત્કાર બાદ આ પાંચ ઉપરાંત હિમાંશુ નામનો મિત્ર પણ મદદ માટે પહોંચ્યો હતો પરંતું તેની પરીક્ષા હોઈ તે ઓળખ પરેડમાં હાજર રહી શક્યો નહોંતો. જાેકે તેના સિવાયના પાંચેય મિત્રોએ ઓળખ પરેડ દરમિયાન બંને આરોપીઓને ઓળખી બતાવ્યા હતા. ઓળખ પરેડ બાદ બંને આરોપીઓને ફરી ગોરવા પોલીસ મથકે લઈ જવાયા હતા.

દિશાંતને દારૂની બોટલ આપનાર સતીષ કહાર ફરી દારૂ સાથે ઝડપાયો

વડોદરા, તા.૧૪

દારૂની મહેફિલ માણ્યા બાદ યુવતી પર રેપ કરનાર બંને આરોપીઓની કબૂલાતના પગલે ગોરવા પોલીસે રાવપુરા પોલીસ મથકની હદમાં કાકાસાહેબના ટેકરા પર દરોડો પાડ્યો હતો જેમાં આરોપીઓને દારૂની બોટલ આપનાર બુટલેગર ઘરમાંથી દારૂની બોટલ સાથે ઝડપાતા તેની વિરુધ્ધ ગોરવા પોલીસે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બંને આરોપીઓએ ધરપકડ બાદ તેઓએ કાકાસાહેબના ટેકરા પરથી દારૂ લાવ્યાની કબુલાત કરવા છતાં રાવપુરા પોલીસે કોઈ કામગીરી નહી કરતા આ દરોડાથી રાવપુરા પોલીસ ઉંઘતી ઝડપાઈ છે.

દિશાંત અને નાઝીમે તેઓએ દાંડિયાબજારમાં કાકાસાહેબના ટેકરા પર સતીષ નામના બુટલેગર પાસેથી વિદેશી દારૂની બોટલ લાવ્યાની કબૂુલાત કરી હતી. આ કબૂલાતના પગલે ગોરવા પીએસઆઈ શ્રીપાલ સહિતના સ્ટાફે ગઈ કાલે રાવપુરા પોલીસ મથકની સ્ટેશન ડાયરીમાં ક્રોસ રેડ કરવાની નોંધ કરાવી રાવપુરા પોલીસને સાથે રાખી બુટલેગર સતીષ ઉબલાલ કહાર (કાકાસાહેબનો ટેકરો, લીમ્જાવિજય અખાડા પાસે, દાંડિયાબજાર)ના ઘરે દરોડો પાડ્યો હતો. દરોડામાં સતીષ કહાર તેના ઘરમાં મળી આવતા પોલીસે તેને સાથે રાખી મકાનમાં તપાસ કરી હતી જેમાં તેણે ધાબા પર છુપાવેલી વિદેશી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે તેની અટકાયત કરી હતી. ગોરવા પોલીસે તેની પાસેથી દારૂની બોટલ તેમજ એક મોબાઈલ ફોન કબજે કરી તેને રાવપુરા પોલીસને સોંપતા રાવપુરા પોલીસ મથકના પોકો હિમેશકુમારે બુટલેગર સતીષ સામે ફરિયાદ નોંધાવી તેની ધરપકડ કરી હતી.

જાેકે રેપકાંડના આરોપીઓએ કાકાસાહેબના ટેકરા પર રહેતા બુટલેગર પાસેથી દારૂ લાવ્યાની વાતની રાવપુરા પોલીસને જાણ હોવા છતાં પોલીસે આવા ગંભીર બનાવમાં તપાસ કરવાના બદલે ઘોર નિંદ્રામાં પોઢી રહેતા આખરે ગોરવા પોલીસના દરોડાથી બુટલેગર ઝડપાયો હતો.

ગુનામાં વપરાયેલી બાઈક નાઝીમના ઘરેથી મળી

ગોરવા પોલીસની ટીમે બંને આરોપીઓની ઓળખપરેડ બાદ ફરી તેઓની પુછપરછ શરૂ કરી હતી. બંને આરોપીઓ પહેલા યુવતીના ફ્લેટ પર ગયા બાદ સાંજે ફરી બાઈક પર દારૂની બોટલ લઈને ફલેટ પર આવ્યા હતા અને બળાત્કાર બાદ એક જ બાઈક પર ફરાર થયા હતા. આ ગુનામાં નાઝીર મિરઝાએ તેની બાઈકનો ઉપયોગ કર્યો હોવાની આખરે આરોપીઓએ રિમાન્ડ દરમિયાન કબુલાત કરતા પોલીસે આજે નાઝીરના ઘરેથી તેની બાઈક કબજે કરી હતી.

આરોપી- સાક્ષીઓને સામસામે બેસાડીને ક્રોસ ઈન્કવાયરી

રિમાન્ડ પર લેવાયેલા બંને આરોપીઓ પોલીસને ગોળગોળ જવાબ આપી સહકાર આપતા ન હોઈ પોલીસે આજે આ બનાવમાં આરોપીઓને નજરે જાેનાર સાક્ષીઓ તેમજ આરોપીઓને સામસામે બેસાડી બંનેની ક્રોસ ઈન્કવાયરી કરી હતી જેમાં આરોપીઓને ખોટુ બોલવાની તક મળી નહોંતી અને પોલીસે આ ઈન્કવાયરી બાદ આરોપી અને સાહેદોના નિવેદનો મેળવ્યા હોવાની વિગતો સાંપડી છે.

બંને આરોપીઓના કોઈ સ્વજનોને પણ મળવાની છુટ ન અપાઈ

આરોપીઓના પરિવારના એકાદ બે તેઓને સભ્યો મળવા માટે પોલીસ મથકે આવ્યા હતા પરંતું પોલીસે કોઈને મળવાની છુટ આપી નહોંતી. એટલું જ નહી આરોપીઓને પરિવારજનો કે તેઓના વકીલને પણ મળવાની છુટ નહી અપાતા આરોપીના વકીલે તેની કોર્ટ સમક્ષ પણ ફરિયાદ કરી હતી પરંતું પોલીસે તપાસને નુકશાન થશે તેમ કહી આરોપીઓને કયાં કારણોસર મળવું છે તેની જાણ કરો અને કારણ યોગ્ય લાગે તો મળવા દઈશું તેમ જણાવ્યું હતું અને ત્યારબાદ હવે કોઈ મળવા આવતું નથી.

બનાવનું રિકન્ટ્‌કશન હજુ એક દિવસ બાદ લેવાશે

આ બનાવમાં પીઆઈ કાનમિયા સહિતની ટીમે મોટાભાગના તમામ પુરાવા તેમજ આરોપી, સાક્ષીઓ અને સાહેદોના મોટી સંખ્યામાં નિવેદનો તેમજ ઓળખપરેડની વિધિ પુરી કરી કર્યા બાદ હવે સમગ્ર બનાવના રિકન્ટ્રકશન માટેની તજવીજ હાથ ધરી છે. જાેકે આવતીકાલે પણ પોલીસને બંને આરોપીઓને લઈને મહત્વની કામગીરી કરવાની હોઈ આવતીકાલે કદાચ બનાવનું રિકન્ટ્રકશન નહી કરાય અને એક દિવસ બાદ રિકન્ટ્રકશન કરાશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.