ગાંધીધામ-

ગાંધીધામના યુવાને છ મહિના સુધી એક પ્રોડક્ટ પર રિસર્ચ કર્યું અને અંતે જન્મી એવી મશીન, કે જે ચીન કે જાપાનથી આયાત કરવામાં આવે તો ૫ થી ૯ લાખ સુધીનો ખર્ચ આવે છે, પણ સ્થાનિક ધોરણે યુવાને માત્ર ૩૫ હજારમાં પડે એવી સ્ક્રીનિંગ પ્રિન્ટિંગ મશીનનું નિર્માણ કર્યું હતું. પ્રિન્ટિંગ ક્ષેત્ર સાથે લાંબા સમયથી જાેડાયેલા અને સામાજિક સ્તરે પણ કાર્યરત પ્રવીણભાઈ શામજીભાઈ નીંજારે કોરોના કાળમાં ફેલાઈ રહેલી બેકારી અને તેમના વ્યવસાયમાં પણ હાથમાં કેમિકલ લાગવાના કારણે કારીગરોને પહોંચતા શારીરીક નુકશાનથી વ્યથીત થઈને નવા મશીનના નિર્માણ માટે કામ હાથ ધર્યું હતું.

છ મહિનાથી વધુ સમય સુધી સતત આ દિશામાં દોડધામ અને રિસર્ચ તેમજ નવા નવા પ્રયોગો કર્યાના અંતે હવાથી ચાલતું સ્ક્રીન પ્રિન્ટિંગ મશીન બનાવવામાં સફળતા મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે સામાન્ય રીતે આ પ્રકારનું મશીન ચીન કે જાપાનથી ઈમ્પોર્ટ કરવામાં આવે છે, જે સ્થાનિક ધોરણે ૫ થી ૯ લાખ જેટલું મોંઘુ પડે છે. આ મશીન ૩૫ હજારથી આસપાસજ પડશે અને આ પાછળ તેનો હેતું આર્થિક ઉપાર્જન નહિ પરંતુ દરેકને મદદરુપ થવાનો છે.

આ વિષયના જાણકાર ના હોય કે દિવ્યાંગ હોય, તે પણ આનો ઉપયોગ કરીને લગ્ન કંકોત્રી, પેમ્પલેટ, વીઝીટીંગ કાર્ડ, ટીશર્ટ વગેરે બનાવીને પગભર થઈ શકે તે ઉદેશ્ય સાથે તેમણે આ નિર્માણ કર્યું હતું. તો બીજી તરફ મીકેનીઝમના અભાવે હાથેથી કરાતા આ કામમાં કારીગરોને હાથ વાટે શરીરમાં જતા શારીરીક નુકસાન પહોંચતું હોવાથી, તેને પણ રોકવાના ધ્યેયને તેવો આ સર્જન થકી પામી શક્યા હોવાનું જણાવ્યું હતું.