ગાંધીનગર-

ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં અતિવૃષ્ટિ સામે ઝઝૂમી રહેલા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વિશે કૃષિ મંત્રી આરસી ફળદુએ માહિતી આપતા જણાવ્યું કે, આગામી 15 દિવસમાં સમગ્ર રાજ્યમાં વરસાદને કારણે ખેતી પાકને જે નુકસાન થયું છે, એડીઆરએફના ધોરણ પ્રમાણે 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તો ખેડૂતોને સરકાર દ્વારા સહાય આપવામાં આવશે.

રાજ્યના કૃષિ વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા સરવેની કામગીરી શરૂ કરવાના આદેશો આજે કેબિનેટ બેઠકમાં અપાયા છે. આગામી પંદર દિવસમાં સરવેની કામગીરી પૂર્ણ થયા બાદ સરકાર નુકસાનીવાળા તમામ ખેડૂતોને સહાયતા કરશે. આવતા બે વર્ષનો કોલ આપી દીધો છે. 116 ટકાથી વધુ વરસાદ થયો છે. ખેડૂતોના કૂવા અને બોરમાંથી પાણી છલકાયા છે. અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન થયું છે. પરંતુ આગામી રવિ સીઝન તથા ઉનાળુ સીઝન માટે ખેડૂતો આ પાણીનો ભરપૂર ફાયદો ઉઠાવી શકશે.

આ સાથે કૃષિ મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં આ વખતે ખૂબ સારો વરસાદ થયો છે. ખેડૂતોના બોર અને કૂવા પાણીથી ઉભરાયા છે. જોકે, બીજીતરફ ખરીફ પાકોના ખેતરમાં પણ પાણી ભરાઇ જવાને કારણે ખેડૂતોને ઘણું જ નુકશાન થયું છે. પરંતુ ભગવાને આટલો વરસાદ આપ્યો છે તેનાથી ધરતી રિચાર્જ થઇ ગઇ છે. ખેડૂતો અત્યારે સંગ્રહ કરેલા પાણીનો ઉનાળુ પાકમાં ઉપયોગ કરી શકશે. આવતા બે વર્ષ સુધી સારી રીતે ખેતી કરી શકાશે. રાજ્યમાં વરસાદ બંધ થયો છે તો હવે ખેડૂતો ખેતરમાં જઇ શકશે. આ સાથે અમારી ટીમ પણ ખેતરોમાંથી પાણી ઉતરવા સર્વેની કામગીરી શરૂ કરશે અને આગામી 15 દિવસોમાં સર્વેની કામગીરી પુરી કરી લેવામાં આવશે. ખેડૂતોને કોઇ ગેરમાર્ગે દોરવતા હોય કે ખોટી વાતો કરતા હોય તો ખેડૂતો દોરવાશો નહીં. રાજ્યની ભારતીય જનતા પાર્ટી ખેડૂતોની પડખે ઉભી છે. અમે આર્થિક રીતે મદદ કરીશું. આ પહેલા પણ જ્યારે જ્યારે ખેડૂતોને જરૂર પડી છે ભારતીય જનતા પાર્ટી તેમની પડખે ઉભી રહી છે અને અત્યારે પણ જ્યારે ખેડૂતોને જરૂર છએ અમે તેમની પડખે ઉભા રહી શું.