વડોદરા, તા.૭  

વડોદરા મહાનગર પાલિકાના પાણી પુરવઠા હસ્તકની પાણીની લાઈનોમાં હલકી ગુણવત્તાની પાઈપોને લઈને અવારનવાર ભંગાણ સર્જાતા હોય છે. શહેરીજનોને માટે વિકટ સમસ્યારૂપ બની ગયેલ પાણીની લાઈનોમાં ક્યાંકને ક્યાંક રોજેરોજ સર્જાતા ભંગાણને કારણે પાણીના બેફામ વેડફાટની સાથોસાથ વાહનચાલકો અને રાહદારીઓને માટે ગંભીર સમસ્યાઓ સર્જાય છે. શહેરના રાઉન્ડ ધ ક્લોક વીવીઆઈપી અને અન્ય વાહનો અને શહેરના તથા બહારના પ્રજાજનોની આવનજાવનથી ધમધમતા રહેતા અલકાપુરીના ગરનાળામાં છાસવારે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતું રહે છે. આ ઉપરાંત રેલવેની ટ્રેક પરથી રોજેરોજ પાણી ટપકતું રહે છે. જ્યાં આજે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા રેલવેના ગરનાળામાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જવા પામ્યો હતો. આ ગરનાળામાં પાણી ભરાતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આને કારણે અલકાપુરી તરફથી આવીને રેલવે સ્ટેશન તરફ જતા વાહનો ગરનાળું પસાર થયા પછીથી ટર્ન લેતી વખતે મુસીબત અનુભવી રહ્યા હતા. આ જગ્યાએ અનેક ટુ વહીલર ચાલકો સ્લીપ થઇ ગયા હતા. તેમજ એક રીક્ષા એકાએક પાણીના કારણે સ્લીપ થઇ જતા એના ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી. જેને ૧૦૮માં તત્કાળ પોલીસ દ્વારા હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઉપરાંત પોલીસે તાત્કાલિક આ ગરનાળાને વાહનવ્યવહારની આવનજાવનને માટે એકતરફી કરીને વધુ દુર્ઘટના ઘટે નહિ એને માટે પગલાં લીધા હતા. ત્યારબાદ આ પાણીની લાઈનના લીકેજને માટે પાલિકાના જવાબદાર અધિકારીઓ અને કચેરીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પાલિકા દ્વારા આ પાણીની લાઈનના રિપેરિંગને માટે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગરનાળાને સુશોભિત કરીને ખાનગી પાર્ટી દ્વારા તંત્ર પાસેથી અન્ય લાભો લેવામાં આવ્યા છે. પરંતુ આ સુશોભન પણ હલકી ગુણવત્તાનું કરાયું હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. જેને લઈને એની છતના પતરા પણ છતથી છુટા પડી જતા પાડું પાડું થઇ રહ્યા છે.