વડોદરા : કોરોનાની મહામારી બેકાબૂ બની છે. હોસ્પિટલોમાં જગ્યા નથી, સ્મશાનોમાં અંતિમવિધિ માટે વેઈટિંગ ચાલી રહ્યું છે, ત્યારે શહેરીજનોમાં ભારે દહેશત છે ત્યારે કેટલાક મેડિકલ માફિયાઓ આવી પરિસ્થિતિનો લાભ ઉઠાવી કમાણીનો મોકો સમજી નકલી સેનિટાઈઝર, ઈન્જેકશનો, દવાઓ બનાવે છે. ત્યારે શહેર પોલીસની પીસીબી શાખાને બાતમીના આધારે ઝડપી પાડેલા રૂા.૪૬ લાખની કિંમતનું શંકાસ્પદ સેનિટાઈઝર અત્યંત ઝેરી હોવાનું બહાર આવતાં પોલીસે ગેરઈરાદાપૂર્વક અને હત્યા સહિત્ની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી માલિકની અટકાયત કરી છે.

શહેરની ગોરવા બીઆઈડીસીની એ.કે.ઇન્ડસ્ટ્રીઝમાં ઝેરી દ્રવ્ય મિથેનોલનો ઉપયોગ કરીને સેનિટાઇઝર બનાવતા ફેક્ટરી સંચાલક નીતિન કોટવાણી સામે ગુનો નોંધાયો છે અને આરોપીની અટકાયત કરીને કોવિડ ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે રૂા.૪૬.૮૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મંગળવારે પીસીબી પોલીસે બાતમીના આધારે ગોરવા બીઆઈડીસીમાં એ.કે.ઇન્ડસ્ટ્રીઝમાં દરોડો પાડી નકલી સેનિટાઇઝર વેચાય છે કે કેમ? તેની તપાસ કરી રૂા.૪૫.૩૫ લાખનો શંકાસ્પદ સેનિટાઇઝરનો જથ્થો જપ્ત કર્યો હતો. એફએસએલમાંથી રિપોર્ટ આવ્યા બાદ આજે પોલીસે ગુનો નોંધ્યો છે.

કોરોના મહામારી વખતે કેટલાક લેભાગુઓએ રેમડેસિવિર ઈન્જેકશનના કાળાબજાર તથા નકલી સેનિટાઇઝર વેચવાની ગંભીર પ્રવૃત્તિઓ શરૂ કરી હોવાની વાત ધ્યાનમાં આવતાં પોલીસે તપાસ શરૂ કરી છે. જેના ભાગરૂપે પીસીબી પીઆઇ જે.જે.પટેલ અને તેમની ટીમે મંગળવારે સવારે શહેરની ગોરવા બીઆઇડીસી સ્થિત એ.કે.ઇન્ડસ્ટ્રીઝમાં દરોડો પાડી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં શંકાસ્પદ ડુપ્લિકેટ સેનિટાઈઝરનો વિશાળ જથ્થો સીઝ કરતાં ખળભળાટ મચી ગયો હતો. પીઆઇ જે.જે.પટેલને બાતમી મળી હતી કે ગોરવા બીઆઇડીસીની એ. કે.ઈન્ડસ્ટ્રીઝમાં લાઇફ કેરના નામે ડુપ્લિકેટ સેનિટાઈઝરનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે અને તેનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. બાતમીના આધારે પીસીબી શાખાએ દરોડો પાડતાં જ કંપનીમાં કામ કરતા કર્મચારી સંચાલકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. પોલીસે આ સેનિટાઇઝર નકલી છે કે કેમ? તે ચકાસવા એફએસએલની ટીમને પણ બોલાવી હતી. એફએસએલ ટીમે કંપનીમાંથી સેનિટાઈઝર લિક્વિડના નમૂના લઇ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપ્યા હતા.

એ.કે.ઈન્ડસ્ટ્રીઝમાં પડેલો શંકાસ્પદ સેનિટાઈઝરનો આશરે ૪૫.૩૫ લાખ રૂપિયાથી વધુનો જથ્થો સીઝ કર્યો હતો અને આ અંગે ગોરવા પોલીસે જાણવાજાેગ નોંધ લીધી હતી. પોલીસે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ આજે ફેક્ટરી સંચાલક ફેક્ટરી સંચાલક નીતિન કોટવાણી (રહે. ૪૦૩, શિવશક્તિ ફ્લેટ, ગોરવા તળાવ સામે) સામે ગુનો નોંધ્યો છે અને તેની અટકાયત કરીને કોવિડ ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરી છે.