ગાંધીનગર-

આ બિલ અંગે સરકારે વતી વાત કરતા ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, આ બીલના પરિણામે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થશે. એક દેશ એક બજારના નિર્ણયથી સમગ્ર દેશમાં ગમે તે વેપારી કે ખેડૂતનું દેશના કોઇપણ એપીએમસી માર્કેટમાંથી ખરીદ કે વેચાણ કરી શકશે. કોંગ્રેસ દ્વારા એપીએમસી બંધ થશે તે વાત તદ્દન પાયાવિહોણી છે. એપીએમસી ચાલુ જ રહેશે. બદલતા સમયમાં જે ખેડૂતોને ટેકનોલોજીનો ઉપયોગ કરવો હશે, તે કરીને તેઓ માલ સીધો દેશના અન્ય રાજ્યોમાં વેચી શકશે. જેના પરિણામે ખેડૂતોનું ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટશે અને વધુ ભાવ મળશે. ખેડૂતોને હાલ જે સુવિધા મળે છે તે ચાલુ જ રહેશે. આ પ્લેટફોર્મ દ્વારા દેશભરમાં રાજ્યના ખેડૂતો પોતાનો માલ વેચી શકશે.

કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ બિલ સંસદમાંથી પસાર કરવામાં આવ્યુ છે. ત્યારે તેને સંલગ્ન એપીએમસી બિલ ગુજરાત વિધાનસભા દ્વારા ચોમાસું સત્રના છેલ્લા દિવસે પસાર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના વિરોધ વચ્ચે બહુમતીના જોરે પાંચ મિનિટમાં જ ત્રણ બિલો પાસ કરી દેવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસના માનવા પ્રમાણે એપીએમસી બિલ અને ગણોત વિધેયક ખેડૂતોની વિરુદ્ધમાં અને ઉદ્યોગપતિઓના ફાયદામાં છે, તેથી તેમણે સૂત્રોચ્ચાર કરીને આ વિધેયકની વિરુદ્ધમાં ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું.