વડોદરા : અત્યાર સુધી કોરોનાની દવાઓની અછત હોવાથી તબીબો દ્વારા જુદી જુદી દવાઓના સંયોજન કરી કોરોનાની સારવાર આપી રહ્યા હતા. જેમાં સમય લાગતો હતો, પરંતુ હવે બજારમાં એન્ટીબોડી કોકટેલ ઈન્જેકશનો આવી ગયા છે, જે કોરોનાના દર્દીઓને શરૂઆતના સમયમાં આપવામાં આવે તો હોસ્પિટલોમાં દાખલ થવાને બદલે માત્ર કલાકોમાં દર્દીઓને રજા મળી શકે છે. આ એન્ટીબોડી કોકટેલ ઈન્જેકશનોને કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવતાં આ ઈન્જેકશનો વડોદરામાં પણ ઉપલબ્ધ થયા છે. જાે કે, તેની કિંમત મોંઘી છે, પરંતુ ખાનગી હોસ્પિટલના ખર્ચ સામે નહીંવત્‌ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની સારવારમાં અક્સિર મનાતા એન્ટીબોડી કોકટેલ ઈન્જેકશન કેસીરીવીમેબ અને ઈમ્ડેવીમેબ ગુરુવારે વડોદરા આવી ગયા છે અને આ ઈન્જેકશનોના ચાર ખાનગી હોસ્પિટલોમાં ૧૧ ડોઝની માગ પ્રમાણે મોકલી આપવામાં આવ્યા હોવાનું ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશનના પ્રમુખ અલ્પેશ પટેલે જણાવ્યું હતું. એસો.ના પ્રમુખ પટેલે જણાવ્યું હતું કે, આ ઈન્જેકશનોની ખેંચ જાેવા મળી હતી. જાે કે, હાલ રાજ્યમાં કોરોનાનું જાેર ઓછું થયું છે. પરંતુ ત્રીજી લહેરના એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે સ્વિડનની રોચ કંપની દ્વારા કોરોનાના દર્દીઓ માટે વિશેષ એન્ટીબોડી કોકટેલ ઈન્જેકશનો કેસીરીવીમેબ અને ઈમ્ડેવીમેબનું શહેરના બજારમાં વેચાણ શરૂ થયું છે. આ અંગે વધુ માહિતી આપતા એસો.ના પ્રમુખ અલ્પેશ પટેલે ઉમેર્યું હતું કે, કંપનીએ કોરોના સામે લડવા એન્ટીબોડી કોકટેલ બનાવીને આ બંને કેસીરીવીમેબ અને ઈમ્ડેવીમેબ ઈન્જેકશનો લૉન્ચ કર્યા છે જે ગુરુવારના રોજથી વડોદરામાં તેનું વેચાણ શરૂ કરવામાં આવી રહ્યું છે.