વડોદરા, તા.૧૫ 

દેશની સીમાઓ પર ફરજ બજાવતા વીર જવાનોને રક્ષાબંધન પર્વે રાખડીઓ મોકલવાનું અભિયાન શહેરના શિક્ષકે છેલ્લાં પાંચ વર્ષથી શરૂ કર્યું હતું. આ વર્ષે સિયાચીન, કારગિલ અને ગલવાન ઘાટીમાં તૈનાત જવાનોની રક્ષા કરવાના સંકલ્પ સાથે દેશના ૮ રાજ્યોના ૨૮ શહેરો તેમજ ૧૨ દેશોમાંથી બહેનોએ ૧૨,૦૦૦ રાખડીઓ મોકલી છે. આજે રાખડીઓનું સેનિટાઈઝેશન કરીને પૂજા કરવામાં આવી હતી. આવતીકાલે સવારે પોસ્ટથી આ રાખડીઓ સરહદ પર તૈનાત જવાનોને મોકલવામાં આવશે.

ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર એટલે રક્ષાબંધન. રક્ષાબંધન પર્વે બહેન ભાઈને રાખડી બાંધીને ભાઈના દીર્ઘાયુની કામના કરે છે અને ભાઈ બહેનની સુખ-સુરક્ષાનો સંકલ્પ લે છે. ત્યારે દેશની સીમાઓની રક્ષા કરતા સેનાના જવાનોની રક્ષા કરવાના સંકલ્પ સાથે વડોદરાના શિક્ષક સંજય બચ્છાવે વર્ષ ૨૦૧૫માં કારગિલના જવાનોને ૭૫ રાખડીઓ પહોંચાડવા સાથે અભિયાનની શરૂઆત કરી હતી. જેમાં તેમનું મિત્રમંડળ, સંસ્થાઓ જાેડાઈ હતી. ગત વરસે ૧૪ હજારથી વધુ રાખડીઓ સિયાચીન અને કારગિલમાં મોકલવામાં આવી હતી.

આ વર્ષે સિયાચિન, કારગિલ અને ગલવાન ઘાટીમાં તૈનાત જવાનોની રક્ષાકાજે ૧૨ દેશોમાંથી રાખડીઓ માટે મની ટ્રાન્સફર કરવામાં આવતાં વડોદરાથી રાખડીઓ લેવામાં આવી હતી. જ્યારે ગુજરાત સહિત ૮ રાજ્યોના ૨૮ શહેરોમાંથી બહેનોએ સેનાના જવાનોને મોકલવા ૧૨,૦૦૦ રાખડીઓ અને વિવિધ સંદેશા સાથે ગ્રિટીંગ કાર્ડના પત્રો મોકલ્યા છે. જ્યારે ચીફ ઓફ આર્મી મુકુંદ નરવણેના કાકીએ પણ પોતાના હાથેથી બનાવેલી રાખડી મોકલી છે. તમામ રાખડીઓને સેનિટાઈઝેશન કરાયા બાદ આજે પૂજન કરવામાં આવ્યું હતું. આવતીકાલે પોસ્ટ દ્વારા રાખડીઓ અને પત્રોને સિયાચીન, કારગિલ અને ગલવાન ઘાટી ખાતે મોકલવામાં આવશે.