દિલ્હી-

નાગરિક ઉડ્ડયનના મહાનિર્દેશક દ્વારા આંતરરાષ્ટ્રીય વ્યાપારી મુસાફરોની ફ્લાઇટ સેવાઓ પરના પ્રતિબંધને વધારવામાં આવ્યો હતો. હવે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી બંધ રહેશે. અગાઉ, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ પર પ્રતિબંધની અવધિ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી વધારી દેવામાં આવી હતી. કોવિડ -૧૯ મહામારીને કારણે ગયા વર્ષે ૨૩ માર્ચથી સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ સ્થગિત કરવામાં આવી છે.ડીજીસીએના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જાે કે સક્ષમ અધિકારી દ્વારા પસંદગીના રૂટ્‌સ પર કેસ-ટુ-કેસ આધારે આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ ફ્લાઇટ્‌સને મંજૂરી આપવામાં આવી શકે છે. જાેકે ડીજીસીએએ જણાવ્યું છે કે આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ઓલ-કાર્ગો અને વિશિષ્ટ પરવાનગી સાથેની ફ્લાઇટ્‌સ પર લાગુ થશે નહીં.

કોરોના વાયરસ મહામારીના કારણે, નિયમિત આંતરરાષ્ટ્રીય પેસેન્જર એરલાઇન્સને ૨૩ માર્ચથી સ્થગિત કરી દેવામાં આવી છે. જાે કે વંદે ભારત અભિયાન અને એર બબલ સિસ્ટમ અંતર્ગત મેથી કેટલાક દેશોમાં વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સને સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. ભારતે અમેરિકા, યુકે, સાઉદી અરેબિયા, કેન્યા, ભૂટાન અને ફ્રાન્સ સહિત ૨૭ દેશો સાથે એર બબલ કરાર કર્યો છે. નોંધપાત્ર વાત એ છે કે ઘરેલુ ફ્લાઇટ્‌સ પરિચાલનમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના પહેલાની તુલનામાં ભારતીય કંપનીઓની ફ્લાઇટ્‌સની ઉડાનો ૭૦ થી વધારીને ૮૦ ટકા કરવામાં આવી છે.