વડોદરા, તા.૨૧

વડોદરામાં ઓમિક્રોનનો નવો વેરિઅન્ટ બીએફ.૭નો કેસ સામે આવતાં વડોદરાનું આરોગ્યતંત્ર એલર્ટ થયું છે. અમેરિકાથી આવેલા ૬૧ વર્ષીય મહિલામાં નવો વેરિઅન્ટ હોવાનું નિદાન થયું છે. જાે કે, હાલ આ મહિલા સંપૂર્ણ સ્વસ્થ હોવાનું અને તેમના ઘરે જ હોવાનું, ઉપરાંત તેમના સંપર્કમાં આવેલ લોકોમાં કોવિડના કોઈ લક્ષણો જાેવા મળ્યા નથી તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ સુભાનપુરા વિસ્તારમાં ૬૧ વર્ષીય એનઆરઆઈ મહિલા તા.૧૧મી સપ્ટેમ્બરે વડોદરા આવી હતી, જ્યાં તેમને કોરોનાના લક્ષણો જણાતાં તા.૧૮મી સપ્ટેમ્બરે ખાનગી લેબ દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેમને કોવિડ પોઝિટિવ હોવાનું જણાઈ આવ્યું હતું જેથી તેમને હોમ આઈસોલેશનમાં રહીને સારવાર લીધી હતી. તેમણે અમેરિકામાં ફાઈઝર વેક્સિનના ત્રણ ડોઝ પણ લીધા છે.

હોમ આઈસોલેશનમાં સારવાર દરમિયાન તેમને કોઈ તકલીફ થઈ નથી. જાે કે, તેમના સેમ્પલ ખાનગી લેબ દ્વારા જિનોમ સિકવન્સ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આજે બીએફ.૭ વેરિઅન્ટ હોવાનું બહાર આવ્યું છે. એનઆરઆઈ મહિલા હાલ તેમના ઘરે જ છે અને તબિયત સામાન્ય છે તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું. ઉપરાંત જે તે સમયે ગાઈડલાઈન મુજબ તેમના સંપર્કમાં આવેલા ત્રણ લોકોના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યું હતું જેમાં તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

હાલમાં જાેવા મળતા તમામ પોઝિટિવ કેસોના સેમ્પલ જિનોમ માટે મોકલવા સૂચના

વડોદરા કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતુંકે, શહેરમાં હાલની પરિસ્થિતિ સામાન્ય છે. દરરોજ ૧૦૦-૧૫૦ જેટલા શંકાસ્પ્દ કેસના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને છેલ્લા એક મહિનાથી એવરેજ ચાર-પાંચ કેસ અઠવાડિયે જાેવા મળેલ છે. કોઈપણ કેસમાં દાખલ થવાની જરૂરિયાત જાેવા મળેલ નથી, ઘરે સારવારથી દર્દીઓ સાજા થઈ રહ્યા છે. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ગત તા.ર૦ ડિસે.ના રોજ તમામ ખાનગી મેજર હોસ્પિટલ, એસ.એસ.જી. અને ગોત્રી મેડિકલ કોલેજ તથા તમામ અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આ બાબતની માહિતી તંત્ર દ્વારા આપવામાં આવેલ છે. હાલ જાેવા મળતા તમામ પોઝિટિવ કેસના સેમ્પલ જિનોમ માટે મોકલવા તમામ ખાનગી લેબોરેટરીઓને ખાસ સૂચના આપવામાં આવેલ છે. શહેરમાં જાે ભવિષ્યમાં કોઈ વેવ આવે તો એના માટે તંત્ર વિજિલન્ટ છે.