કોવિડ પરિસ્થિતિને પહોંચી વળવામાં સદંતર નિષ્ફળ નિવડેલી શાસક ભાજપા કેટલી ગેંડા જેવી જાડી ચામડી ધરાવતી અસંવેદનશીલ પાર્ટી છે, તેનો દાખલો એટલે આજે વડોદરા સહિત સમગ્ર દેશમાં બંગાળની હિંસાના વિરોધમાં યોજાયેલા ધરણાં. વડોદરાના પેજપ્રમુખોથી માંડી અહીં છાસવારે પધારતા પ્રદેશ પ્રમુખ સુધીનાઓને ઓક્સિજનના બોટલો - ઈન્જેકશનો અને સુવિધાપુર્ણ ખાલી બેડ ધરાવતી હોસ્પિટલો માટે તરફડીયા મારતાં વડોદરાના દર્દીઓ - તેમના સંબંધીઓ નથી દેખાતા, પરંતુ સેંકડો કિલોમીટર દુર પશ્ચિમ બંગાળમાં એક સામાન્ય મહિલાએ તેમને ચોડેલા સણસણતા તમાચાની તમ્મર આટલે દૂર સુધી અહીં પણ અનુભવાઈ અને તેનો વિરોધ કરવા તેમને ધરણાં યોજાયા! પાર્ટીના પદાધિકારીઓને વડોદરાને ઓકિસજન- રેમડેશિવર ઈન્જેકશનો અને રસીના ડોઝના જથ્થામાં થતાં અન્યાય સામે આવા ધરણાં તો ઠીક હરફ સુધ્ધાં ઉચ્ચારતા બીક લાગે છે. પણ પ્રજા હવે ગણગણી રહી છે કે એટલું યાદ રાખજાે પાર્ટીની શિસ્ત જાળવવાનું તમારું આ ગુનાહિત ગાંડપણ તમને એવા દિવસો બતાવે તો નવાઈ નહીં કે તમે રસ્તા પર બુટ - ચંપલ વગર આગળ આગળ ભાગતા હો અને તમારી પાછળ તમારી નિષ્ફળતાની સજા આપવા ઉશ્કેરાયેલા લોકોનું ટોળું દોડતું હોય... એ એ જ લોકો હશે કે જેમણે તમને ૨૫-૨૫ વર્ષ ખોબલે ખોબલે મતો આપી માથા પર બેસાડયા છે. સુધરો તો સારુ નહીં તો પશ્ચિમ બંગાળ જેવી હાલત ગુજરાતમાં થશે.