લોકસત્તા વિશેષ : રાજ્યમાં કોરોનાના વધતા કેસને કાબુમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલા મિની લોકડાઉનમાં હોટલ રેસ્ટોરન્ટ માટે પણ કડક નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે. જેમાં હોટલ કે રેસ્ટોરન્ટ માત્ર ટેકઅવે સુવિધા જ આપી શકશે. તેમ છતાં રાજાશાહીમાં રાચતા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ અને મહામંત્રી સુનિલ સોલંકીએ આજે ભાજપના કેટલાક નેતાઓને સાથે રાખી રાવપુરા ચાર રસ્તા ખાતે આવેલી સૂર્યપ્રકાશ રેસ્ટોરન્ટમાં નાસ્તો કર્યો હતો. સામાન્ય નાગરીકો સામે દંડા પછાડતી શહેર પોલીસ સૂર્યપ્રકાશ રેસ્ટોરન્ટમાં બેસી બટાકા પૌંઆ અને ચાની મિજબાની કરનાર ભાજપના નેતાઓ સામે કેમ ચૂપ થઈ જાય છે તેને લઈને અનેક તર્કો વહેતા થયા છે. રાજકીય નેતાનું વર્તન અને વ્યાવહાર પ્રજાને ઉદાહરણ રૃપ હોવું જાેઈએ નહીં કે ઈર્ષા ઉપજાવે તેવું. પરંતું સૂંઠના ગાંગળે ગાંધી બનવા નિકળેલા શહેર ભાજપના કેટલાક નેતાઓને ભૂલમાં મળેલી સત્તાના નશામાં બેફામ બન્યા હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. પ્રણાલિકા, કાયદા અને નિયમો જાણે તેમના માટે બન્યા જ ન હોય તેમ વારંવાર શહેર ભાજપ સંગઠનના પ્રમુખ અને મહામંત્રીની જાેડી વિવાદમાં આવતી હોય છે.

આજે પણ મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ અન્ય નેતાઓ છુટા પડ્યા ત્યારે ડો. વિજય શાહ અને સુનિલ સોલંકી પોતાના માનીતાઓની ચોકડીને સાથે રાખી રાવપુરા ચાર રસ્તા ખાતે આવેલ સૂર્યપ્રકાશ રેસ્ટોરન્ટમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓએ બટાકા પૌંઆ અને ચાનો ઓર્ડર આપી રાજકીય સોગઠા ગોઠવ્યા હતા.

ઉલ્લેખનીય છેકે હાલ શહેરમાં હોટલ રેસ્ટોરન્ટમાં બેસી જમવા કે નાસ્તો કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. જેમાં આવી હોટલ કે રેસ્ટોરન્ટ માત્ર ટેક અવે એટલેકે પાર્સલ સુવિધા જ આપી શકે તેવો નિયમ રાજ્ય સરકારે જાહેર કર્યો છે. હાલ રાજ્યમાં ભાજપની જ સરકાર છે ત્યારે તેમના પક્ષના જ પ્રમુખ અને મહામંત્રી પોતાની સરકારે બનાવેલા કાયદાના લીરા ઉડાડતા હોય તેવું કૃત્ય કરતાં આજે આ મામલો ભાજપના વર્તુળમાં ચર્ચા સ્થાને રહ્યો હતો.

- તો રેસ્ટોરન્ટ માલિક સામે ગુનો દાખલ થાય

સરકારની મનાઈ છતાં જાે કોઈ રેસ્ટોરન્ટ માલિક કોઈને બેસાડી જમાડે કે નાસ્તો કરાવે તો તે સરકારના જાહેરનામાનો ભંગ બનતો હોય છે. ત્યારે શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રીની આગેવાનીમાં સૂર્યપ્રકાશ રેસ્ટોરન્ટમાં બેસી નાસ્તો કરનાર નેતાઓ માટે પોલીસ તપાસ કરે તો રેસ્ટોરન્ટના માલિક સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ થાય તેમ જાણકારોનું માનવું છે.