બાલાસિનોર, તા.૨ 

બાલાસિનોર નગરપાલિકા વર્તમાન બોર્ડના અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં બીજા અઢી વર્ષ માટે પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે પ્રાંત અધિકારી બાલાસિનોરની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રમુખ તરીકે ભૂપેન્દ્રભાઈ ચૌહાણે ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે દરખાસ્ત સમાજવાદી પાર્ટીના ઇરફાન પઠાણે અને ટેકો ભાજપના પ્રજ્ઞેશભાઈ સોનીએ આપ્યો હતો. ઉપપ્રમુખ માટે દિપીકાબેન પટેલે ઉમેદવારી નોંધાવી હતી, જેમાં દરખાસ્ત વિજય વાઘેલાએ કરી હતી, જેને ટેકો કિશન પટેલ આપ્યો હતો. પ્રમુખપદ માટે કોંગ્રેસ તરફથી કોઈપણ સભ્યએ દાવેદારી ન કરતાં ભારતીય જનતા પાર્ટીના ભૂપેન્દ્ર ચૌહાણ પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. જાેકે, ઉપપ્રમુખપદ માટે કોંગ્રેસમાંથી રિયાઝ શેખે ઉમેદવારી નોંધવતા ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઇ હતી. ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દિપીકાબેન પટેલને ૧૯ મત મળ્યાં હતાં, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને ફક્ત ૯ મળતાં ભાજપના મહિલા ઉપપ્રમુખ દિપીકાબેનને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં. બાલાસિનોર નગરપાલિકામાં ભાજપે સમાજવાદી પાર્ટીના ટેકાથી સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી હતી. 

પ્રમુખ બિનહરીફ, ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ!

નગરપાલિકાની બીજી ટર્મ માટે ચૂંટાયેલાં ૨૮ સભ્યોની બેઠક યોજાઇ હતી, જેમાં પ્રમુખપદ માટે કોંગ્રેસ તરફથી કોઈપણ ઉમેદવારે દાવેદારી કરી ન હતી. પરિણામે ભાજપના ઉમેદવાર બિનહરિફ જાહેર થયાં હતાં. જાેકે, ઉપ-પ્રમુખ માટે કોંગ્રેસમાંથી એક સભ્યએ ઉમેદવારી કરતા ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઇ હતી.

એક નગરસેવકે પીપીઇ કિટ પહેરીને મતદાન કર્યું!

નગરપાલિકાના સભાખંડમાં યોજાયેલી પ્રમુખ ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણીમાં બાલાસિનોર નગરપાલિકા વોર્ડ નંબર ૪ના સદસ્ય કિશનભાઇ પટેલના માતાને કોરોના પોઝિટિવ આવતાં તેઓ પણ હોમક્વોરન્ટિન હતાં. યોજાયેલી ચૂંટણીમાં પાલિકાના સભાખંડમાં તેઓ એકલાં પીપીઇ કિટ પહેરીને મતદાન કરવા ઉપસ્થિત રહ્યાં હતાં.