અમદાવાદ

કોરોનાએ લીધેલાં ભરડાના કારણે શાહીબાગ કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ કેમ્પના હનુમાનજીના દર્શન ભક્તો તા. ૧૯મી માર્ચથી એટલે કે છેલ્લા આઠ મહીનાથી કરી શક્યા નથી. કેન્ટોન્મેન્ટ અત્યંત સંવેદનશીલ જગ્યા છે અને ત્યાં સાવચેતીની વિશેષ જરૂર પડે છે. આ સંજોગોમાં વર્ષો જુના કેમ્પ હનુમાનજીના મંદિરને એ જ વિસ્તારમાં રિવરફ્રન્ટ ફેઝ-ટુમાં ખસેડવાની ગંભીર રીતે કવાયત શરૂ થઈ છે. આ અંગે ભાજપના આગેવાન સુરેન્દ્ર પટેલને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દે મારી હાજરીમાં કેમ્પ હનુમાન મંદિરના ટ્રસ્ટીમંડળની કેન્ટોન્મેન્ટ ઓથોરિટી સાથે મીટીંગ થઈ હતી. જેમાં સાબરમતી રિવરફ્રન્ટના બીજા ફેઝનું ડેવલમેન્ટ થઈ રહ્યું છે, તેમાં કેટલીક કેન્ટોન્મેન્ટની પણ જગ્યા છે. એ જગ્યાએ મંદિરને લઈ જવાય તો અંદરની જગ્યા કેન્ટોમેન્ટને મળી જાય અને લોકોની અવરજવર પણ બંધ થઈ જાય. આ માટે સમયના પણ કેટલાંક બંધનો છે, તે પ્રશ્ન પણ હલ થઈ જાય. ઉપરાંત આ રોડ ભરચક છે, આ સંજોગોમાં કેમ્પમાં એન્ટ્રી સુધી સામેની બાજુથી ફુટઓવર બ્રિજ બનાવવાનું પ્લાનીંગ હતું. સામેની બાજુ લોકો વાહન પાર્ક કરી ફુટઓવરબ્રિજથી સલામત રીતે મંદિરમાં જઈ શકે. હવે જો મંદિરનું સ્થળ જ બદલાવાનું હોય તો ફુટઓવરબ્રિજના નિર્માણની બાબત પણ પડતી મુકાઈ જાય. કેન્ટોન્મેન્ટ ઓથોરિટીએ પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે મંદિરના ટ્રસ્ટીઓ આ અંગે ઠરાવ કરીને ઠરાવ સાથે દરખાસ્ત આપે તો તે અમે ઉપરની ઓથોરિટીને મંજુરી માટે મોકલી આપીશું. સ્થાનિક અધિકારીઓએ સૈદ્ધાંતિક સ્વીકૃતિ આપી છે. આ બાબતે મંદિરના ટ્રસ્ટી પાર્થીવ અધ્યારૂને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, અમે આ અંગે ઠરાવ કરી નાખ્યો છે.