ડીસા,તા.૨૭ 

રાધનપુરના સિનાડ અને વાવના વસરાડાના મામા-ફોઇના બે પિતરાઇ ભાઇ ૨૭ દિવસ અગાઉ થરાદ કપડાં લેવા જવાનું કહીને નીકળ્યા બાદ બંનેની લાશ ડીસાના એક અવાવરૂ કૂવામાંથી શુક્રવારે મળી આવી હતી. સિનાડના રણજીત નાગજીભાઇ ઠાકોર અને વાવના વસરાડાના રણછોડ નાગજીભાઇ ઠાકોર થરાદના જમડા ગામે છુટક મજુરી કરતા હતાં. ત્યારે ૩૧ મે-૨૦૨૦ના રોજ બન્ને પિતરાઇ ભાઇ જમડા ગામેથી થરાદ ખાતે કપડાં ખરીદવા માટે નિકળ્યા હતાં પરંતુ બે-ત્રણ દિવસ થવા છતાં પરત ન ફરતાં બન્ને પરિવારજનોએ સગા સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં કોઇ પતો લાગ્યો ન લાગતા બંનેના ગુમ  થવા અંગે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ૨૫ દિવસ બાદ આ યુવકમાંથી કોઈ એક યુવકનો ફોન ચાલુ થતા મોબાઈલ લોકેશનના આધારે લોકેશન ડીસા રેલવે સ્ટેશન મળી આવ્યું હતું. પરીવારના સભ્યોએ લોકેશનના આધારે અવાવરૂ કુવામાં તપાસ કરતાં અસહ્ય દુર્ગંધ મારતી બે લાશ નજરે પડી હતી. શહેર દક્ષિણ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.૨૭ દિવસ અગાઉ ગુમ બે યુવાનો પૈકી એકનો ફોન અચાનક જ ચાલુ થતાં લોકેશન ડીસાનું આવતાં તપાસ કરતાં બન્ને યુવકની લાશ કુવામાંથી મળી આવતાં ચાલુ થયેલ ફોનથી રહસ્ય ઉભા થયા છે.