રાજકોટ-

કોરોના સામે લાંબો જંગ લડનાર રાજ્ય સભાના સભ્ય અને જાણીતા ધારાશાસ્ત્રી અભયભાઈ ગણપતભાઈ ભારદ્વાજનું ગઈકાલે સાંજે ચેન્નઈની હોસ્પિટલમાં અવસાન થયાના ખબર પડતા જ ઉંડા શોકની લાગણી ફેલાવા પામી છે. અભયભાઈ ભારદ્વાજે પોતાની કારકિર્દીની શરૂઆત પત્રકાર તરીકે કરી હતી. બાદમાં વકીલાતના ક્ષેત્રે પણ તેમણે ભારે નામના મેળવી હતી અને વકીલાતની સાથો સાથે રાજકીય અને જાહેર જીવનમાં પણ તેમનું ચાર દાયકાથી વધુ યોગદાન રહ્યું હતું.આજે બપોરે ચેન્નાઈથી તેનો પાર્થિવ દેહ રાજકોટ ખાતે લાવવામાં આવ્યો હતો . અડધો કલાક માટે અમીન માર્ગ પરના તેમના નિવાસસ્થાન સાગર ટાવર ખાતે જાહેર દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો ત્યારે પત્રકારો, વકિલો, રાજકારણીઓ, જાહેરજીવનના આગેવાનો, કાર્યકરો ઉમટી પડ્યાહતા. સાગર ટાવર ખાતે ભારે કરૂણાસભર દ્રશ્યો સજાવવા પામ્યા હતા.