વડોદરા : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અગ્રણી નેતા અને ઇન્દિરા ગાંધીથી લઈને સોનિયા ગાંધીના સલાહકાર તેમજ કોંગ્રેસના રણનીતિકાર તરીકે કાર્ય કરનાર સંનિષ્ઠ સેવક અહેમદ પટેલનું ગુરુગ્રમ વેદાંતા હોસ્પિટલ ખાતે કોરોનાની લાંબી સારવાર બાદ નિધન થયું હતું. કોંગ્રેસના ચાણક્ય તરીકે ઓળખાતા અને ત્રણવાર લોકસભા અને પાંચ વાર રાજ્યસભાના સાંસદ રહેલા અહેમદ પટેલને એક માસ અગાઉ કોરોના થયો હતો. જેની સારવાર માટે તેઓને નવી દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેઓને સારવાર દરમ્યાન એક પછીથી એક ઓર્ગન ફેઈલ થતા મળસ્કે સાડા ત્રણ વાગે નિધન થયું હતું. તેઓના પાર્થિવ દેહને એમના વતન અંકલેશ્વરના પિરામણ ખાતે લઇ જવા માટે વિશેષ વિમાનમાં વડોદરા ખાતે મૃતદેહ લવાયો હતો. જ્યા અમિત ચાવડા, હાર્દિક પટેલ , પરેશ ધાનાણી, સિધ્ધાર્થ પટેલ, શકિતસિંહ ગોહિલ સહિત કાર્યકરો હોદ્દેદારોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ સમયે અહેમદ પટેલનો પુત્ર ફૈઝલ પટેલ પણ એરપોર્ટ પર હાજર રહ્યો હતો.તેઓની દફનવિધિ આવતીકાલે શુક્રવારે સવારે કરાશે.