વડોદરા : વડોદરાના અકોટા વિસ્તારમાં પકડાયેલા દારૂના બનાવ અંગે પીઆઈ અને પીએસઆઈને સસ્પેન્ડ કરાયા હતા. જે કેસમાં પોલીસે વોન્ટેડ બૂટલેગર યોગેશ પાટીલને ઝડપી પાડયો હતો. અદાલતમાં રજૂ કરતાં રિમાન્ડ નામંજૂર થયા હતા. જેને લઈને પોલીસે દોડધામ મચાવી હતી. અકોટા હાઉસિંગ બોર્ડ ખાતે ચાર મહિના પહેલાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડી રૂપિયા અઢી લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે દારૂનું વેચાણ કરતા બે માણસોને ઝડપી પાડયા હતા, જ્યારે દારૂનો વ્યવસાય કરતા મુખ્ય સૂત્રધાર યોગેશ પંડિતરાવ પાટીલ રહેવાસી ઃ અકોટા અને દારૂના સપ્લાયર લાલુ સિંધીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.આ બનાવમાં રાજ્ય પોલીસવડાએ ગોત્રી પોલીસ મથકના પીઆઈ એ.બી.ગોહિલ અને પીએસઆઈ વી.જી.ગોહિલને સસ્પેન્ડ કર્યા હતા. પોલીસે ગઈકાલે અકોટા વિસ્તારમાંથી પોસ્ટેડ ગુનેગાર યોગેશ પાટીલને ઝડપી પાડયો છે, જ્યારે લાલુ સિંધી હજુ પોલીસના હાથમાં આવ્યો નથી.

બૂટલેગર પોલીસ સાથે ગોઠવણ કરીને હાજર થયો હોય એમ એનો રાતોરાત કોવિડ ટેસ્ટ પણ કરાવી દેવાયો હતો અને રિપોર્ટ આવે એ પહેલાં જ એને કોર્ટમાં રજૂ કરી દેવાયો હતો. દરોડો મોનિટરિંગ સેલે પાડયો હોવાથી અમદાવાદથી સેલની ટીમે કબજાે લઈ અદાલતમાં રજૂ કરી રિમાન્ડની માગ કરી હતી. જાે કે, રિમાન્ડ નામંજૂર થતાં એને સેન્ટ્રલ જેલમાં મોકલવાનો વારો આવ્યો હતો. પરંતુ જેલ માટે જરૂરી કોરોનાનો નેગેટિવ રિપોર્ટની કોપી નહીં હોવાથી મોનિટરિંગ સેલના પીએસઆઈ ચૌધરીએ સયાજી હોસ્પિટલમાં ત્રણ કલાક સુધી આરોપી યોગેશને લઈ દોડધામ મચાવી હતી. અંતે ચમત્કારિક રીતે કલાકોમાં જ નેગેટિવ રિપોર્ટની કોપી લઈ યોગેશને જેલભેગો કરાયો હતો.