વડોદરા

મુળ દાહોદનો વતની અને પાંચ વર્ષ અગાઉ માંજલપુરમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવીને પોતાની સાથે ભગાડી ગયા બાદ સગીરા સાથે અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા અને તેની સાથે દામ્પત્યજીવન ગુજારી બે સંતાનોના પિતા બનેલા રીઢી બુટલેગરને પોલીસે પાંચ વર્ષ જુના કેસમાં વટવાથી ઝડપી પાડી તેની ધરપકડ કરી હતી.

મુળ દાહોદના ગરબાડા તાલુકાના દેવધાગામનો વતની તુફાન કિશનભાઈ બારિયા પાંચ વર્ષ અગાઉ શહેરના માંજલપુરમાં રહેતો હતો. અત્રે વસવાટ દરમિયાન તેણે માંજલપુરમાં પરિવાર સાથે રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેને લગ્નની લાલચ આપી પોતાની સાથે ભગાડી ગયો હતો. દરમિયાન પોતાની સગીર વયની પુત્રીને ભગાડી જઈ અપહરણ કરનાર તુફાન બારિયા વિરુધ્ધ સગીરાના પિતાએ માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

બીજીતરફ અત્રેથી ભાગ્યા બાદ તેણે સગીરા સાથે લગ્ન કરી તેની સાથે દામ્પત્યજીવન શરૂ કર્યું હતું અને તે સગીરા થકી બે સંતાનોનો પિતા પણ બન્યો હતો. હાલમાં અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલી જીઆઈડીસી વિસ્તારમાં રહેતો તુફાન દેશી દારૂનું વેચાણ કરતા હોઈ તેની વિરુધ્ધ ૨૦૧૮માં ત્રણ અને ૨૦૨૦માં એક ગુનો નોંધાયો હતો. માંજલપુર પોલીસ દ્વારા તાજેતરમાં ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી જેમાં પોકેટકોપ મોબાઈલ એપના આધારે તુફાનનું લોકેશન મળતા માંજલપુર પોલીસે તેની ગઈ કાલે અટકાયત કરી હતી. અપહરણ તેમજ પોક્સો બાદ તેની વિરુધ્ધ બળાત્કારનો ગુનાનો ઉમેરો કરી પોલીસે જે તે સમયે સગીર વયની અને હાલમાં બે સંતાનોની માતા બનેલી યુવતીને પણ શોધી કાઢી હતી.