મુંબઈ-

૧૯૯૭ ડૉલરની ઊંચી સપાટીએ અથડાયા પછી સોનાના ભાવમાં ફરી એક સ્થિરતા જોવા મળી રહી છે. બજારમાં નવા તેજીના ટ્રિગર કે મંદીનાં પરિબળની રાહમાં ભાવ અત્યારે સ્થિરતા તરફ છે. ડૉલરની મક્કમતાની અસરથી પણ ભાવમાં વૃદ્ધિ અટકી ગઈ છે. બીજી તરફ હાજરમાં સોનાના સૌથી મોટા વપરાશકાર દેશ ભારત અને ચીનની માગ ઘટી રહી છે એની ચિંતા પણ છે. ઘટેલી માગ સામે કેટલા અંશે બજારમાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સની ખરીદીનો ટેકો મળશે એ જોવાનું રહ્યું. તેજી માટે કોરોના વાઇરસનો વધી રહેલો વ્યાપ, અમેરિકા અને ચીન વચ્ચેની તંગદિલી અને આર્થિક મંદી જેવાં પરિબળો જવાબદાર ગણાશે. સામે વાઇરસની વૅક્સિન જો જલદી બજારમાં આવશે તો એ સોનાની તેજી પર મોટી બ્રેક ગણાશે.

વૈશ્વિક બજારમાં કોમેક્સ ખાતે સોનું ઑક્ટોબર વાયદો સોમવારે આંશિક વધી ૧૯૭૪.૭૦ ડૉલર પ્રતિ ઔંસ બંધ રહ્યો હતો. ગઈ કાલે તે ૦.૩૮ ટકા કે ૭.૫૫ ડૉલર વધી ૧૯૮૨.૨૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. સોનું ડિસેમ્બર વાયદો ૦.૨૫ ટકા કે ૫ ડૉલર વધી ૧૯૯૧.૩૦ અને હાજરમાં ૦.૦૪ ટકા કે ૭૪ સેન્ટ ઘટી ૧૯૭૬.૨૪ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.