પાદરા : પાદરાના દૂધવાળા ગામની સીમમાં આવેલી લોન્સન કીરી કંપનીમાં વાલ્વ લીકેજ થતાં ૩૦૦થી વધુ એકર ખેતરોમાં ભૂરા રંગનું કેમિકલ પથરાતાં સ્થાનિક રહીશો દ્વારા હલ્લાબોલ કરી હોબાળો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યો હતો. પાદરાના દૂધવાળા ગામની સીમમાં આવેલી લોન્સન કીરી સમયાંતરે વારંવાર વિવાદ કોઈને કોઈ કારણોસર થતો હોય છે. અગાઉ જીપીસીબીએ લાખોનો દંડ પણ ફટકાર્યો છે છતાં કંપની સુધારવાનું નામ લેતું નથી, જેના કારણે વારંવાર લોન્સન કીરી કંપનીમાં વિવાદ થતાં મોટો હલ્લાબોલ થતો રહે છે છતાં પણ કંપનીના સત્તાધીશોના પેટનુ પાણી હાલતું નથી. 

પાદરાની દૂધવાળા ગામની સીમમાં આવેલી લોન્સર કીરી કંપનીમાં વાલ્વ લીકેજ થવાની ઘટના સામે આવી હોવાનું જાણવા મળે છે જેમાં કંપનીમાં વપરાતું કેમિકલનું ડસ્ટ ખેતરોમાં પ્રવેશ્યું હતું જેમાં ૩૦૦ જેટલી એકર જમીનમાં આ કેમિકલ ભૂરા રંગનું પથરાતાં ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. દૂધવાળા ગામના ખેડૂત આગેવાન હસમુખભાઈ પટેલ સહિતના સ્થાનિક ખેડૂતો દ્વારા કંપની સામે હલ્લાબોલ કરી હોબાળો મચાવ્યો હતો અને કંપનીની સામે વિરોધ દર્શાવ્યો હતો. જ્યારે કંપનીની બેદરકારીના કારણે ભૂરા રંગનું કેમિકલ ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોના ઊભા પાક પર અસર થતાં પાક કરમાઈ રહ્યો છે અને ખેતરોમાં જમીન પણ ભૂરા રંગની દેખાવા લાગી છે જે કેમિકલ ઘાસચારા પર પણ લાગતાં ઘાસચારો પણ પશુઓને ખાવાલાયક નથી, તેથી કંપનીના ગેટ પાસે ખેડૂતોએ હલ્લાબોલ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.