અમદાવાદ, અમદાવાદની ગરીબ અને મધ્યમ વર્ગની હોસ્પિટલ એવી સૌથી જૂની વી.એસ હોસ્પિટલનું વર્ષ ૨૦૨૨-૨૩નું ડ્રાફટ બજેટ ઈન્ચાર્જ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ બાબુભાઇ પટેલે રજૂ કર્યું હતું. ગત વર્ષના બજેટ કરતા ૪ કરોડના વધારા સાથે રૂ. ૧૭૩.૩૨ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જૂની વી.એસ હોસ્પિટલમાં મેડિકલ સાધનો ખરીદી માટે ૩૦ લાખ અને નર્સિંગ સ્કૂલ અને હોસ્ટેલના રીનોવેશન માટે ૫૦ લાખ ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
વી.એસ હોસ્પિટલના ડ્રાફ્ટ બજેટની બેઠકમાં મેયર કિરીટ પરમાર હાજર રહ્યા હતા. ડ્રાફ્ટ બજેટ દરમ્યાન મ્યુનિસિપલ કમિશનર કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હાજર રહ્યાં ન હતા. બીજી તરફ માત્ર બે-ચાર બોર્ડ સભ્ય જ હાજર રહ્યા હતા. કોરોનામાં હેલ્થ વિભાગની કામગીરીમાં વ્યસ્ત હોવાના કારણે ન આવ્યા હોવાનું જણાવ્યું હતું. ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ બાબુભાઇ પટેલે જણાવ્યું હતું કે, અસામાન્ય ખર્ચમાં વી.એસ હોસ્પિટલ અને શેઠ ચિનાઇ પ્રસૂતિ ગૃહના કેમ્પસમાં આવેલી નર્સિંગ સ્કૂલનું બિલ્ડીંગ ૧૦ વર્ષ જુનું હોવાથી ડ્રેનેજ લાઇન નવી નાંખવા તથા બિલ્ડીંગમાં નાનું-મોટુ સમારકામ, રીટ્રોફીટીંગ, બાથરૂમના દરવાજા, નવા સીટ કેમના પીવીસી દરવાજા વિગેરે તથા બિલ્ડીંગનું કલરકામ કરાવવા બજેટમાં રૂ. ૩૦ લાખની જાેગવાઇ કરવાના આવી છે. વર્ષ ૨૦૨૨-૨૩ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે સામાન્ય ખર્ચ માટે રૂ. ૧૭૨.૫૧ કરોડ તથા અસામાન્ય ખર્ચ માટે રૂ. ૮૦ લાખ એમ કુલ મળી રૂ. ૧૭૩.૩૨ કરોડમાંથી હોસ્પિટલની આવક રૂ. ૩૩ કરોડ તથા રાજય સરકાર તરફથી મેળવવાની થતી રૂ. ૨૦ કરોડની ગ્રાન્ટ બાદ કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી આ સંસ્થાને નેટ રૂ.૧૬૭.૯૮ કરોડ ગ્રાન્ટ પેટે મેળવવા ડ્રાફ્ટ બજેટ રજુ કરવામાં આવ્યું છે.
Comments