વડોદરા -

વિતેલા છેલ્લા ર૪ કલાક દરમિયાન શહેર તેમજ નેશનલ હાઈવે પર વાહન અકસ્માતના કુલ પાંચ બનાવો બનયા પામ્યા હતા. જેમાં એક માસૂમ બાળક સહિત ત્રણનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે મોતને ભેટેલ ત્રણ મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખેસડવામાં આવ્યા હતા.

પોલીસ તેમજ હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર વાઘોડિયા તાલુકાના રૂસ્તમપુરા નજીક આવેલ નારાયણપુરા ખાતે રહેતા ચંદુભાઈ સોમાભાઈ તડવી આજે તેમની નાની પુત્રી મીનાબેન તડવીના દીકરા મયુર ગોપાલભાઈ તડવી (ઉં.વ.૪)ને લઈને મોટી પુત્રી ઉષાબેનને મળવા માટે વિરોદ ગામે જવા માટે દુમાડ ચોકડી ઉપર રિક્ષાની રાહ જાેઈને ઊભાં હતાં એ દરમિયાન હાઈવે પર માતેલા સાંઢની જેમ દોડતી ટ્રકના ચાલકે કોઈ કારણોસર ટ્રક પરનો સ્ટિયરિંગ ગુમાવતાં પૂરપાટ દોડતી ટ્રક દુમાડ બ્રિજ પાસે આવેલ થાંભલા સાથે અથડાઈ હતી જેથી થાંભલા નજીક ઊભેલા ચંદુભાઈ તડવી અને તેમના પૌત્ર મયુર ગોપાલભાઈ તડવી અડફેટમાં આવી ગયા હતા. જ્યાં માસૂમ મયૂર ઉપર થાંભલો પડતાં માથાના તેમજ બોચીના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ઈજા પામેલ ચંદુભાઈને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત મોતના બનાવ સંદર્ભે હરણી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.

જ્યારે અકસ્માતના બીજા બનાવની પ્રાપ્ત વિગત અનુસાર શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલ દિવ્યપાર્ક સોસાયટીમાં ભૂપેન્દ્રભાઈ ભીખાભાઈ અંજારા (ઉં.વ.રર) તેમના પરિવાર સાથે રહેતા હતા. તેઓ અકોટા ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા. ભૂપેન્દ્રભાઈના એક વર્ષ અગાઉ જ લગ્ન થયા હતા. તે તેમના લગ્નજીવનનો રથ આગળ ધપાવે એ દરમિયાન તેઓ ઓફિસથી બેન્કના કામે બાઈક ઉપર નીકળ્યા હતા એ દરમિયાન કારેલીબાગ બહુચરાજી સ્મશાનવાળા રોડ ઉપર અન્ય બાઈકચાલકે ભૂપેન્દ્રભાઈની બાઈકને ટક્કર મારી હતી જેમાં ભૂપેન્દ્રભાઈને શારીરિક ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેમનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મોતને ભેટેલ ભૂપેન્દ્રભાઈના પત્ની પ્રેગનન્ટ હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત મોતના બનાવની જાણ કારેલીબાગ પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. અંજારા પરિવારમાં જુવાનજાેધ પુત્ર ગુમાવ્યાનું અને પુત્રવધૂ તેનો સંસારરથનો પ્રારંભ કરે તે પૂર્વે જ પતિનું છત્ર ગુમાવ્યું હોવાની દુઃખની લાગણી વ્યાપી ગઈ હતી. જ્યારે અકસ્માતના ત્રીજા બનાવમાં બોરસદ તાલુકાના ધોબીકુઈ ગામે રહેતા શિવાભાઈ બુધાભાઈ ઠાકોર (ઉં.વ.૪પ) સાઈકલ લઈને જતા હતા તે વખતે ગામની ભાગોળે અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં તેમને શારીરિક ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે અત્રેની ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.જ્યારે અકસ્માતના ચોથા બનાવની વિગત અનુસાર રાજસ્થાનના રહેવાસી ચાર મિત્રો ઈનોવા કાર લઈને મોટા અંબાજી માતાજીના દર્શન કરવા માટે જતા હતા. દર્શન કરીને સુરત-વલસાડ ખાતે રહેતા મિત્રને મળવા ગયા હતા. ત્યાંથી મિત્રો પાવાગઢ મહાકાલી માતાના મંદિરે દર્શન માટે જઈ રહ્યા હતા એ દરમિયાન પોર હાઈવે પર આવેલ ઢાઢર નદીના બ્રિજ નજીક કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ઢાઢર નદીની રેલિંગ તોડીને નદીના કોતરમાં ખાબકી હતી. જાે કે, આ બનાવમાં સદ્‌નસીબે ચારેય મિત્રોને નાની મોટી ઈજાઓ થતાં ચારેયને સારવાર માટે ૧૦૮ મારફતે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં સારવાર આપવામાં આવી હતી.

જ્યારે અકસ્માતના પાંચમા બનાવની વિગત અનુસાર અમદાવાદથી સુરત તરફ જતી ઈકો કાર આજવા ચોકડી પાસે પલટી જતાં કારમાં સવાર વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. અકસ્માતના બનાવની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.