/
એસઆરપીની વાન અને સીએનજી કાર વચ્ચે અકસ્માત થતાં કાર સળગી

વડોદરા, તા. ૪

આજે સવારના સમયે નેશનલ હાઇવે-૪૮ ઉપર તરસાલી ચોકડી પાસે ભરૂચથી વડોદરા આવી રહેલી એસઆરપીની વાન અને સુરતથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલી કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ગણતરીની સેકંડોમાં કારમાં આગ ફાટી નીકળી હતી. જેનું કારણ કાર સીએનજી સંચાલિત હોવાનું અને ગરમીને કારણે આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. અકસ્માત અને આગ વચ્ચેના નજીવા સમય દરમ્યાન કારમાં મુસાફરી કરી રહેલા ૫ લોકો સમયસૂચકતા વાપરીને સમયસર કૂદી જતા તેમનો આબાદ બચાવ થયો હતો.

નેશનલ હાઇવે નં. ૪૮ પર તરસાલી ચોકડી પાસે ભરૂચના વાલિયાથી વડોદરા આવી રહેલી એસઆરપી ની વાનને સુરતથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલી કારે પાછળથી ટક્કર મારી હતી. અકસ્માત થતાં કારમાં સવાર ચાલક સહિત ૫ વ્યક્તિઓ કારનો દરવાજો ખોલીને બહાર નીકળી ગયા હતા. તેઓ બહાર નીકળતાની સાથે જ સીએનજી સંચાલિત કારમાં આગ ભભૂકી ઉઠી હતી. દરમિયાન આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા મકરપુરા જીઆઇડીસીના લાશ્કરો દોડી ગયા હતા. અને પાણીમારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. જોકે, કારમાં લાગેલી આગ સંપૂર્ણ કાબૂમાં આવતા પહેલા જ બળીને ખાખ થઇ ગઇ હતી. અકસ્માત અને આગનાં બનાવ વચ્ચેના ગણતરીના સેકંડોમાં જ ગાડીમાં સવાર પાંચેય મુસાફરો બહાર કૂદી ગયા હોવાથી તમામનો આબાદ બચાવ થયો હતો.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution