વેરાવળ, વેરાવળ-સોમનાથ બાયપાસ હાઈવે ઉપર પુરપાટ આવતા ટ્રકે આગળ જઈ રહેલી બ્રેઝા કારને અડફેટે લઈ બુકડો બોલાવી દીધો હતો. આ કાર ચલાવી રહેલા વિસાવદરના વેપારીને ફ્રેકચરની ગંભીર ઈજાઓ પહોંચતા સીવીલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જાેકે ઘટનાસ્થળે ટ્રક અને બ્રીજની દિવાલ વચ્ચે બુકડો બોલી ગયેલી બ્રીઝા કારના દૃશ્યો નિહાળી સૌ કોઈ અકસ્માત કારમાં સવાર લોકોનું મૃત્યુ થયું હોવાનો અંદાજ લગાવી રહ્યાં હતા, પરંતુ રામ રાખે તેને કોણ ચાખે તે કહેવતને સાર્થક કરતા આ અકસ્માતમાં સદનસીબે વેપારીનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માત અંગે પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે ચારેક વાગ્યા આસપાસ લગ્ન પ્રસંગ પતાવીને વિસાવદરના વેપારી શ્યામદાસ મથુરાદાસ ચોટાઈ પોતાની મારૂતિ બ્રેઝા કારમાં પરત ઘર તરફ જઈ રહ્યાં હતા. ત્યારે સોમનાથ બાયપાસ હાઈવે પર હોટલ એસ્ટોરિયા સામે બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી તે સમયે પાછળથી પુરપાટ આવતા ટ્રકે વેપારીની કારને પાછળથી જાેરદાર ટક્કર મારી અડફેટે લઈ અકસ્માત સર્જ્‌યો હતો. જેના પગલે રાહદારીઓ એકત્ર થવા લાગતા ટ્રકનો ચાલક ટ્રક રેઢો મુકી નાસી ગયો હતો. આ અકસ્માતમાં ટ્રકે બ્રેઝા કારને પાછળથી અડફેટે લીધી હોવાથી બ્રીજની દિવાલ અને ટ્રકની વચ્ચે કાર સેન્ડવીચની માફક ફસાઈ જતા બુકડો બોલી ગયો હતો. આ સમયે કાર ચલાવી રહેલા વેપારી શ્યામદાસ ચોટાઈ પણ ફસાયેલા હોય જેઓને રાહદારી લોકોએ બહાર કાઢીને સારવાર અર્થે સીવીલ હોસ્પીટલએ લઈ ગયા હતા.