વડોદરા : કોરોનાની સાથે અનેક રાજ્યોમાં બર્ડફલૂના કહેર વચ્ચે વડોદરા જિલ્લામાં પણ વિવિધ વિસ્તારોમાં પક્ષીઓના આકસ્મિક મોત થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે શહેર નજીક રિલાયન્સ ટાઉનશિપમાં એકસાથે ત્રણ રાષ્ટ્રીય પક્ષી મોરના મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. વન વિભાગે મોરના મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કરી મૃત્યુનું કારણ જાણવા પ્રયાસ હાથ ધર્યા છે. દેશમાં કોરોનાના કહેર વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી વિવિધ રાજ્યોમાં પક્ષીઓના આકસ્મિક મોતના કિસ્સાઓ પ્રકાશમાં આવતાં બર્ડફલૂની શંકા સેવાઈ રહી છે. તાજેતરમાં જ સાવલી તાલુકાના વસંતપુરા ગામે એકસાથે ૩૦ કાગડાઓના મોત નીપજ્યાં હતાં. જાે કે, જિલ્લાના પશુપાલન વિભાગે કાગડાના મૃત્યુ અંગેનું કારણ તપાસવા ભોપાલ લેબમાં સેમ્પલો મોકલવામાં આવ્યા છે. ત્યારે આજે વાઈલ્ડલાઈફ રેસ્કયૂ ટ્રસ્ટના અરવિંદ પવારને રિલાયન્સ ટાઉનશિપમાં મોરના મોત નીપજ્યા હોવાનો કોલ આવતાં સંસ્થાના કાર્યકરો અને વન વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. આ અંગે વાઈલ્ડલાઈફ રેસ્કયૂ ટ્રસ્ટના અરવિંદ પવારે જણાવ્યું હતું કે, રિલાયન્સ ટાઉનશિપમાં મોરના મૃત્યુ નિપજ્યા અંગેના કોલ મળતાંની સાથે ફોરેસ્ટ વિભાગને જાણ કરી વન વિભાગની ટીમ સાથે અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં બે મોર અને એક ઢેલનો મૃતદેહ મળી આવ્યા હતા. પ્રોટોકોલ મુજબ ત્રણે મોરના મૃતદેહોને વન વિભાગે કબજે લઈ મૃત્યુનું કારણ જાણવા પોસ્ટ મોર્ટમ હાથ ધર્યું છે.