વડોદરા

કેલા એસોસિયેટની ત્રિપુટી સામે હવે જિલ્લા પોલીસ, અદાલત અને શહેર પોલીસ તરફથી પણ કાર્યવાહી શરૂ થતાં ચારેય બાજુથી ભીંસમાં મુકાતાં હવે બચવું મુશ્કેલ છે. છેતરપિંડી કે જેમાં ભાગીદાર ઉપરાંત સુંદરપુરા, ધનિયાવી, આલમગીરના ખેડૂતોનો પણ સમાવેશ થાય છે એમાં હવે ભાયલી અને પાદરા તાલુકાના પણ ખેડૂતોએ જિલ્લા પોલીસનો સંપર્ક સાધી એમની સાથે પણ છેતરપિંડી થઈ હોવાનું જણાવી ફરિયાદ માટે આગળ આવી રહ્યા છે. ત્યારે નિતેશ પટેલે કરેલી છેતરપિંડીનો આંકડો રોજેરોજ વધી રહ્યો છે જે ૧૦૦ કરોડ સુધી પહોંચશે એમ લાગી રહ્યું છે.

અદાલતોમાં જુદીજુદી વ્યક્તિઓ જેમાં સંજય ભોગીલાલ તુરખિયા અને પ્રિયંકાબેન જવાહરજી વણઝારા સહિત અન્યોએ કરોડો રૂપિયાના ચેક બાઉન્સના જુદા જુદા ૮ કેસો અંગેની ફરિયાદો અદાલતોમાં દાખલ કરી છે જેની સુનાવણી અંતિમ તબક્કામાં છે. આ કેસોમાં ગમે ત્યારે મોટી સજા ફરમાવવામાં આવી શકે છે. બીજી તરફ જે.પી. રોડ પોલીસ મથકે નિતેશકુમાર મગનભાઈ પટેલ (રહે. ૯૦૩, રોઝડેલ હાઉસ, અક્ષર પેવેલિયનની સામે, ભાયલી) વિરુદ્ધ આઈપીસી ૪૦૬ અને ૪૨૦ હેઠળનો ગુનો નોંધાયો હતો, જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીએ ઝીણવટપૂર્વક તપાસ કરી ૯ કરોડ રૂપિયાની ચોખ્ખી છેતરપિંડી થઈ હોવાનો રિપોર્ટ આપતાં હવે જે.પી.રોડ પોલીસના ચોપડે પણ નિતેશ પટેલ આરોપી બનશે અને કેલા એસોસિયેટના નામે છેતરપિંડી કરી છે અને હાલમાં કેલા એસોસિયેટના ભાગીદાર તરીકે પિતા મગનલાલ પટેલ અને બનેવી રાજેશ પટેલ પણ બની ગયા હોવાથી એ પણ આરોપી તરીકે જાેડાઈ શકે છે.

હાલમાં પોલીસથી બચવા લાંબા સમયથી ભાગતા-ફરતા ત્રણેયને પોલીસ શોધી કાઢશે અને નહીં મળે તો એમની મિલકતો જપ્ત કરવા સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે. રેડકોર્નર નોટિસ અગાઉથી જારી કરી હોવાથી દેશ છોડીને ત્રિપુટી વિદેશમાં જઈ શકે એમ નથી અને જશે તો બીજા મોટા ગુનામાં પણ આવી જશે એવી પરિસ્થિતિ સર્જાઈ છે. પરંતુ લાંબા સમય સુધી ઠગત્રિપુટી પોલીસની પહોંચથી દૂર રહેતાં મામલો રાજ્યના પોલીસવડા સુધી પહોંચ્યો હતો અને એનઆરઆઈ રોકાણકારોના હિતને સચવાય અને છેતરપિંડી સહિતની અન્ય હેરાનગતિમાં કડક અને ઝડપી કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી, જેના પગલે ડીજીપીએ જિલ્લા પોલીસવડા સુધીર દેસાઈને ટેલિફોનિક ચર્ચા કરી જરૂરી સૂચના આપી હોવાનું બહાર આવ્યું છે.