વડોદરા : શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલી મામાની પોળમાં આવેલા એક બંધ મકાનમાં છેલ્લા પાંચ દિવસથી ફસાયેલી બિલાડી અને સિંધવાઇ માતા રોડ ખાતે આવેલ વોર્ડ નં. ૪ની ઓફિસ પાસે વીજ થાંભલા પર ફસાયેલ વાંદરાના બચ્ચાને ફાયરબ્રિગેડના લાશ્કરો દ્વારા સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. 

પ્રથમ બનાવની વિગતો મુજબ, રાવપુરા પોલીસ સ્ટેશન સામે આવેલ મામાની પોળમાં આવેલ મકાન નં ૧૪માં છેલ્લા પાંચ દિવસથી એક બિલાડી ફસાઈ ગઈ હતી. આ બિલાડી દિવસ રાત સતત મદદ માટે અવાજો કરતી હતી. જેને કારણે આસપાસના રહીશો દ્વારા તેને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડ દ્વારા સ્થળ પર પહોંચીને બિલાડીને ડરાવ્યા વગર શાંતિપૂર્વક રીતે તેનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારબાદ બિલાડીને સલામત સ્થળે છોડી દેવામાં આવી હતી.

બીજા બનાવની વિગતો મુજબ, આજે બપોરના સમયે સિંધવાઇ માતા રોડ પર આવેલ વોર્ડ નં.૪ની ઓફિસ પાસે ઇલેક્ટ્રિક ડી.પી ઉપર એક વાંદરાનું બચ્ચું ફસાઈ ગયું હતું. જેના કારણે આસપાસમાંથી પસાર થતા રાહદારીઓના ટોળા ઉમટી પડ્યા હતા. વીજ પ્રવાહ ચાલુ હોવાને કારણે બાળ વાનરને સહી સલામત રીતે બહાર કાઢવું ખુબ જ કપરું હતું. જેના કારણે લોકોએ ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો હતો. ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા સૌપ્રથમ ઇલેક્ટ્રિક ડી.પી માંથી પસાર થતા વીજ પ્રવાહને અટકાવવામાં આવ્યો હતો. જ્યારબાદ સીડી વડે ઉપર જઈને બાળ વાનરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને તેની માતા પાસે છોડવામાં આવ્યું હતું.