રાજકોટ, તા. ૨૫ 

એક તરફ સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે બીજી બાજુ રાજકોટમાં તંત્રની કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યાં છે.

ગઇ કાલે શહેરમાં આવેલી સમરસ હોસ્ટેલની સરકારી ક્વાૅરન્ટાઇન ફેસિલિટીનાં ભોજનમાંથી ઇયળ નીકળતા ભારે હોબાળો મચી ગયો હતો. ત્યારે ક્વાૅરન્ટાઈન કરવામાં આવેલા લોકોમાં આ મામલે ઉગ્ર રોષ જાેવા મળી રહ્યો છે. તમને જણાવી દઇએ કે દર્દીઓનાં સંપર્કમાં આવેલા લોકોને આ હોસ્ટેલમાં ક્વાૅરન્ટાઇન કરવામાં આવ્યાં છે. ત્યારે તેમને આપવામાં આવતા ભોજનમાં ઈયળ નીકળતા પોઝિટિવ દર્દીનાં સંપર્કમાં આવેલા તમામ લોકોએ હોસ્ટેલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. તેઓએ તંત્ર દ્વારા હલકી ગુણવત્તાવાળું ભોજન આપવામાં આવતું હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે અહીંયા તંત્ર દ્વારા ભોજનની તૈયાર ડિશ આપવામાં આવે છે. જાે કે અહીં સવાલ એ પણ ઉભો થાય છે કે જાે પોઝિટિવ દર્દીઓનાં સંપર્કમાં આવેલા લોકોને અહીં ક્વાૅરન્ટાઇન કરવામાં આવે છે તો આખરે તેઓને તંત્ર દ્વારા કેમ આવા પ્રકારનું ભોજન મળી રહ્યું છે. કેમ કે જાે તેઓને જ આવું ભોજન આપવામાં આવશે તો એક તરફ સમગ્ર રાજ્યમાં લોકો કોરોનાનાં ભોગ તો બની રહ્યાં છે ને એમાંય ઉપરથી જાે આવું ખાવાનું આપવામાં આવે તો લોકો વધારે બીમાર પડવાની શક્યતા છે. જેથી બાદમાં એક ઊંટ કાઢતા બકરું પેઠું જેવી સ્થિતિ સર્જાઇ શકે છે. આખરે કેમ વારંવાર કોરોનાને લઇને તંત્રની કાર્યવાહી પર સવાલો ઉઠી રહ્યાં છે. શું તંત્રની જવાબદારી નથી બનતી કે જેઓને ક્વાૅરન્ટાઇન કરવામાં આવ્યાં છે તેઓને શુદ્ધ આહાર મળી રહે. શું તંત્ર ક્વાૅરન્ટાઈન કરવામાં આવેલા લોકોનું ધ્યાન રાખવામાં અસમર્થ નીવડે છે ?