દિલ્હી-

કોરોનાના વધતાં કેસોને લઇને કેન્દ્ર સરકારનું કહેવું છે કે, મહારાષ્ટ્રને લઇને બહુ ચિંતા છે. સરકારે કોરોના વાયરસના સંક્રમણને હળવાશથી ના લેવાની અપીલ કરી છે. નીતિ આયોગના સભ્ય વીકે પોલે ગુરુવારે કહ્યું કે, મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં થઇ રહેલાં વધારાથી કેન્દ્ર સરકાર ખૂબ ચિંતિત છે. પત્રકાર પરિષદ સંબોધતાં તેમણે કહ્યું કે, અમે મહારાષ્ટ્ર અંગે ખૂબ જ ચિંતિત છીએ. આના બે બોધપાઠ છે. વાયરસને હળવાશમાં ન લેવો જાેઇએ અને કોરોનાથી મુક્ત રહેવું છે તો કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે.

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વધતાં તંત્ર તોડતું થયું છે. જે હેઠળ નાગપુરમાં ૧૫થી ૨૧ માર્ચ સુધી લોકડાઉન લાદવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, લોકડાઉન દરમિયાન માત્ર જીવન જરૂરી વસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહેશે. જ્યારે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ સંકેત આપ્યા હતા કે, રાજ્યમાં કોરોનાના નવા કેસોની સંખ્યા વધવાને લીધે રાજ્યના કેટલાક ભાગોમાં લોકડાઉન લાદવાની પરિસ્થિતિ ઊભી થઇ શકે છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૨,૮૫૪ કેસો સામે આવ્યા છે. જેમાંથી સૌથી વધુ ૧૩,૬૫૯ કેસ મહારાષ્ટ્રમાં છે. જે બાદ કેરળમાં ૨૪૭૫ અને પંજાબમાં ૧૩૯૩ કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્ર, તમિલનાડુ, પંજાબ, મધ્ય પ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક અને હરિયાણામાં નવા કેસોમાં વધારો થઇ રહ્યો છે.