દિલ્હી-

બેંકોના ખાનગીકરણને આકર્ષક બનાવવા અને એ માટે બોલીઓ નિમંત્રિત કરવા કેન્દ્ર સરકાર બેંકોના કામકાજમાં દખલ નહીં કરે એવી યોજના વિચારાઇ રહી હતી.

એ માટે રિઝર્વ બેંકના નિયમોમાં ફેરફાર કરવાનું પગલું પણ લેવાશે. જે જે બેંકનું ખાનગીકરણ કરવામાં આવશે એના કામકાજમાં સરકાર માથું નહીં મારે. એ બેંકોના વ્યવહારમાંથી ખસી જશે. ત્યારબાદ માત્ર બેંકો અને ગ્રાહકો વચ્ચેનો વ્યવહાર રહેશે. આ માહિતી આપનારા સૂત્રે કહ્યું કે વડા પ્રધાનના કાર્યાલય, નાણાં મંત્ર્યાલય અને રિઝર્વ બેંક વચ્ચે હાલ વિચાર વિનિમય ચાલી રહ્યો હતો. ખાસ કરીને કઇ બેંકમાં કેટલી હદે સરકારી ભાગીદારી રાખવી એ મુદ્દે આ ચર્ચા ચાલી રહી હતી. આ મુદ્દે અર્થનિષ્ણાતો સાથે પણ સરકાર વાટાઘાટ કરી રહી હતી. 

હાલ ડઝનેક બેંકો છે. એમાંની અડધો અડધ બેંકોનું પ્રાઇવેટાઇઝેશન કરવાની સરકારની ઇચ્છા છે. કદાચ વધુ બેંકોનું પણ પ્રાઇવેટાઇઝેશન થઇ શકે છે. 2017સુધી દેશમાં નાની મોટી 27 બેંકો હતી. અત્યારે બાર બેંક રહી છે. અત્યાર સુધી સરકારે કેટલીક બેંકોનું મોટી બેંકમાં વિલીનીકરણ કર્યું હતું. પોલિસી કમિશને સરકારને એવી ભલામણ કરી હતી કે વધુમાં વધુ ચારેઅક બેંકો પર તમારો અંકુશ રાખો.

અત્યારે મળતા નિર્દેશો મુજબ સરકાર ભવિષ્યમાં જે ચારેક બેંકોમાં ભાગીદારી ચાલુ રાખવા ઇચ્છે છે એમાં સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા,પંજાબ નેશનલ બેંક, બેંક ઑફ બરોડા અને કેનેરા બેંકનો સમાવેશ થાય છે. એનો અર્થ એવો પણ કરી શકાય કે બાકીની બેંકોમાંથી સરકાર પોતાની ભાગીદારી જતી કરશે અને આ બેંકોનું પૂર્ણ પણે ખાનગીકરણ કરી દેવામાં આવશે. પોલિસી કમિશને ત્રણ નાની સરકારી બેંકો પંજાબ એન્ડ સિંધ બેંક, બેંક ઑફ મહારાષ્ટ્ર અને યુકો બેંકનું અગ્રતાના ધોરણે પ્રાઇવેટાઇઝેશન કરવાની સલાહ આપી હતી.