દિલ્હી-

પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલાં તણાવ વચ્ચે ચીનના નેતા એકબાજુ શાંતિની વાતો કરી રહ્યા છે, તો તેનું સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સ યુદ્ધની ધમકીઓ આપી રહ્યું છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના એડિટરે કહ્યું કે, ચીની સેના ભારતીય ટેંકોનો ખાત્મો કરવાનો અભ્યાસ કરી રહી છે. તેઓએ ધમકી આપી કે, જાે ભારતે મોસ્કોમાં વિદેશ મંત્રીઓની વચ્ચે થયેલી બેઠકમાં પાંચ પોઈન્ટ સહમતિને લાગુ નહીં કરે તો ચીની સેના ભારતને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર રહે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે સંસદમાં આપેલાં નિવેદન બાદ ચીનને મરચા લાગ્યા છે. ગ્લોબલ ટાઈમ્સના એડિટર શિઝિને દાવો કર્યો કે ચીની સેનાના દબાણને કારણે ભારતીય સેનાએ વલણમાં નરમાશ દેખાડી છે. તેઓએ કહ્યું કે, PLA પેંગોંગ લેકની પાસે ભારત-ચીન સીમા પર નિર્ણાયક કાર્યવાહી માટે પોતાની તહેનાતી વધારી રહ્યું છે. તેઓએ કહ્યું કે, ચીન સીમા વિવાદ શાંતિથી ઉકેલવા માટે પ્રયાસ કરશે પણ સાથે જ પોતાની સેનાને તૈયાર પણ રાખશે.

તો ગ્લોબલ ટાઈમ્સે એક્સપર્ટના હવાલાથી દાવો કર્યો છે કે, ભારતના કઠોર વલણને કારણે બંને દેશો વચ્ચેનો આ તણાવ આવનાર ઠંડીના મહિનાઓ સુધી ચાલુ રહી શકે છે. તેઓએ કહ્યું કે, ચીની સેના શિયાળામાં પણ ગતિરોધને ચાલુ રાખવા માટે તૈયાર છે. આ ઉપરાંત ગ્લોબલ ટાઈમ્સના એક વિશ્લેષકે લખ્યું કે, ભારત પંડિત જવાહરલાલ નેહરુની ભૂલને દોહરાવી રહ્યો છે. વર્તમાન સ્થિતિ 1962 જેવી જ છે.