વડોદરા, તા.૨૧ 

વડોદરામાં રવિવારે સાંજે વરસાદનું ઝાપટું થયું હતું. પરંતુ આજે વરસાદે વિરામ પાળ્યો હતો. જાે કે, આજે વરસાદે ૬ વાગે વિતેલા છેલ્લા ર૪ કલાકમાં પાદરામાં ૧ ઈંચ વરસાદ, કરજણમાં અડધો ઈંચ વરસાદ થયો હતો. વડોદરા શહેરમાં મોસમના સરેરાશ વરસાદ સામે ૧૧૮ ટકા વરસાદ થઈ ગયો છે.

ચાલુ વરસે ચોમાસાની સીઝનમાં સમગ્ર રાજ્યમાં સારો વરસાદ થતાં ડેમ, તળાવો છલોછલ છલકાઈ ગયા છે. છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદની વિદાય પૂર્વે છૂટાછવાયા હળવાથી ભારે વરસાદી ઝાપટાં થઈ રહ્યાં છે. જાે કે, આજે વરસાદે વિરામ પાળ્યો હતો. જિલ્લા પૂર નિયંત્રણ કક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા જિલ્લામાં મોસમના સરેરાશ ૮૭૭ મિ.મી. વરસાદની સામે અત્યાર સુધીમાં ૮૯ ટકા વરસાદ થઈ ગયો છે.

જ્યારે સર્વાધિક વરસાદ ૧૪૩ ટકા પાદરા તાલુકામાં થયો છે. વડોદરા શહેરમાં મોસમના સરેરાશ ૧૦૩૫ મિ.મી. વરસાદની સામે ૧૨૨૮ મિ.મી. એટલે કે, ૧૧૮ ટકા વરસાદ, જ્યારે વાઘોડિયા તાલુકામાં ૯૦ ટકા, ડભોઈમાં ૮૬ ટકા, કરજણમાં ૮૭ ટકા, સાવલીમાં ૬૨ ટકા, શિનોરમાં ૭૨ ટકા, વાઘોડિયામાં ૯૧ ટકા અને ડેસર તાલુકામાં સૌથી ઓછો ૫૩ ટકા વરસાદ થયો છે.

ઉકળાટથી લોકો ત્રાહિમામ્‌

આજે વરસાદના વિરામ વચ્ચે તાપમાન અને ભેજનું પ્રમાણ વધતાં ઉકળાટથી પરસેવે રેબઝેબ થયેલા લોકો ત્રાહિમામ્‌્‌ પોકારી ગયા હતા. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આજે મહત્તમ તાપમાન ૩૪.૨ ડિગ્રી સેન્ટિગ્રેડ અને લઘુતમ તાપમાન ૨૫.૬ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ ૮પ ટકા જે સાંજે ૬પ ટકા અને હવાનું દબાણ ૯૯૭.૪ મિલિબાર્સ તેમજ પશ્ચિમ તરફ ફૂંકાયેલા પવનની સરેરાશ ગતિ પ્રતિકલાકના ૮ કિ.મી. નોંધાઈ હતી.