અમદાવાદ, અમદાવાદ મહાનગર માટે ગુજરાત કોંગ્રેસે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે પણ વિધિવત્‌ નામો જાહેર કર્યા નહોતા, ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી બારોબાર મેન્ડેટ આપી દેવાયા હતા, ટિકિટ નહિ મળતાં શહેરમાં ઠેર ઠેર વિવિધ વોર્ડમાં દાવેદારોએ હોબાળો મચાવ્યો હતો અને ઠેર ઠેર સામૂહિક રાજીનામા પડયા હતા, ભાઈપુરા, ઈન્ડિયા કોલોની, મકતમપુરા, જાેધપુર, સરખેજ, વેજલપુર, જમાલપુર, ગોમતીપુર, લાંભા સહિતના વોર્ડમાં ભારે વિરોધ વંટોળ જાેવાયો હતો. પાલડી સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. એનએસયુઆઈ-યૂથ કોંગ્રેસ-સેવાદળના આગેવાનોને ટિકિટ ન મળતાં, ધડાધડ રાજીનામાં પડયા હતા, અન્ય હોદ્દેદારોએ પણ રોષે ભરાઈ રાજીનામા આપ્યા હતા.

કોંગ્રેસ ભવન ખાતે દેખાવો યોજ્યા હતા, કાર્યકરે કોંગ્રેસ ભવન આસપાસની દીવાલો પર બીભત્સ લખાણ લખ્યું હતું, જેને પગલે કોંગ્રેસમાં દોડધામ મચી ગઈ હતી, ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડના કાર્યકરોએ ભાજપ-આરએસએસમાંથી આવેલાને ટિકિટ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. મોડી રાતે ગાંધીનગર નજીક પણ એનએસયુઆઈના કાર્યકરોએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ઘેરી લીધા હતા અને તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, યુવાઓએ આક્ષેપ કર્યો હતો કે, કાર્યકરોને બદલે નેતાઓના અંગત વ્યક્તિઓને ટિકિટો આપી દેવાઈ છે.

એકંદરે કોંગ્રેસની પ્રદેશ અને શહેરની ઢીલી પ્રદેશ નેતાગીરી છેલ્લી ઘડી સુધી ઉમેદવારો ફાઈનલ કરી શકી નહોતી, જેના કારણે ફોર્મ ભરવામાંય છેલ્લી ઘડીએ ઉમેદવારો થોથવાયા હતા. ગોમતીપુરમાં મોડી રાતે કોંગ્રેસના કાર્યકરોએ બેનરો-પોસ્ટરો સળગાવ્યા હતા. ચારેકોર હોબાળા-ભડકાની સ્થિતિમાં કોંગ્રેસના નેતાઓ ગભરાઈ ગયા હતા અને એક પણ સિનિયર નેતા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે ડેમેજ કંટ્રોલ માટે ફરક્યા નહોતા. મોટી મોટી ડંફાશો મારતાં નેતાઓ તેમના પૂર્વ કોર્પોરેટરોને પણ સમજાવી શક્યા નહોતા, નેતાઓએ ફોન ઉપાડવાનું ય બંધ કરી દીધું હતું. આ સંજાેગોમાં નારાજગી વ્યાપક બની હતી. કોંગ્રેસ ભવન પાસે મુખ્ય દરવાજા બંધ કરી દેવાયા હતા.

પાટીલની મનમાની પર રાજકોટના ૧૦૦ નેતાઓના ગાંધીનગરમાં ધામા

ગાંધીનગર રાજ્યની મહાનગરપાલિકોની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષો દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપલિકાના ભાજપના ઉમેદવારોએ તો પોતાની ઉમેદવારી પણ નોંધાવી દીધી છે. ત્યારબાદ હવે રાજકોટ જિલ્લા-તાલુકા પંચાયતની બેઠકના મામલે ભાજપના ૧૦૦થી વધુ આગેવાનો ગાંધીનગર પહોંચ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા બાદ હવે જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠક માટે ઉમેદવારો ફાઇનલ કરવાની કવાયત તેજ બની છે. ભાજપના રાજકોટ જિલ્લામાંથી ૧૦૦ જેટલા આગેવાનો આજે ગાંધીનગર પહોંચ્યા છે. કેટલીક બેઠક પર જૂથવાદ અને જ્ઞાતિવાદ વકર્યો હોય બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ગાંધીનગરમાં એક કેબિનેટ પ્રધાનના બંગલે રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ અને તાલુકાઓની ૨૦૨ બેઠકો પર નામ નક્કી કરવા મોડી રાત સુધી ચર્ચા ચાલશે. કાલે રવિવારે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી રહી છે. રાજકોટ જિલ્લામાં ટીકીટ માટે બે કેબિનેટ મંત્રીઓ પણ રસ લઈ રહ્યા છે.