નડિયાદ-

ગુજરાત હજુ કોરોના વાયરસની બીજી લહેરમાથી બહાર નીકળ્યું નથી, તેવામાં નડિયાદ શહેર એક ભયાનક રોગમાં સપડાયું છે. નડિયાદ શહેરને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાતા હડકંપ મચી ગયો છે. આસપાસના ગામડાઓમાં લોકો ડરી રહ્યા છે. નડિયાદ શહેર અને આસપાસનો ૧૦ કિ.મી. વિસ્તારને ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. આ માટે ખેડા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પડાયું છે. જેમાં શહેરમાં ઝાડા-ઉલટીના કેસો નોંધાતા તાબડતોડ રીતે આ ર્નિણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. એક મહિના સુધી નડિયાદ કલેક્ટરનું જાહેરનામું અમલમાં રહેશે. નપાના ચીફ ઓફિસસને પણ આ રોગને કાબૂમાં લેવા માટે જરૂરી પગલા લેવા સૂચના આપી દેવામાં આવી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે નડિયાદ શહેરના કનીપુરા વિસ્તારમાંથી કોલેરાનો કેસ મળી આવ્યો છે, બુધવારે શહેરના જુદા જુદા વિસ્તારમાંથી આરોગ્ય વિભાગે ૧૦ જેટલા સેમ્પલ લીધા હતા. જેના ટેસ્ટિંગ દરમિયાન કોલેરા પોઝિટિવ મળી આવતા તંત્ર દ્વારા નડિયાદ પાલિકા વિસ્તારને કોલેરાગ્રસ્ત તેમજ આસપાસના ૧૦ કિ મી ના વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. નડિયાદ શહેરમાં ખાણી-પીણીની લારીઓ તેમજ અન્ય હાટડીઓ શરૂ થઇ ગઇ છે. શહેરમાં ઠેક ઠેકાણે ગંદકીની પણ ફરિયાદ ઉઠી છે. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કનીપુરા, જવાહર નગર, મિલ રોડ, કપડવંજ રોડ પરથી સંકાસ્પદ કોલેરાના સેમ્પલો લેવાયા હતા. જેના ટેસ્ટિંગ દરમિયાન કેસ મળી આવ્યા હતા. નગરપાલિકા દ્વારા પશ્ચિમ વિસ્તારમાં સફાઈ નહીં થતી હોવાને કારણે ગંદકીની સમસ્યા વકરી છે. ત્યારે કોલેરાગ્રસ્ત નડિયાદને તેમાંથી બહાર લાવવા પાલિકા પગલા ભરે તે જરૂરી છે.