સુરત-

છેલ્લા બે દાયકામાં સુરત શહેરે વિકાસની હરણફાળ ભરી છે. દેશમાં સૌથી વિકસતા શહેરોમાં સુરતે ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે. દેશનાં સ્વચ્છ શહેરોની યાદીમાં બીજું સ્થાન મેળવીને સમગ્ર વિશ્વમાં સુરતે પોતાનું નામ રોશન કર્યું છે. સુરત મહાનગર પાલિકાનાં વિવિધ પ્રોજેક્ટનું અમલીકરણ પોતાના શહેરમાં કરવા માટે દેશ-વિદેશનાં પ્રતિનિધિઓ સુરતની મુલાકાતે આવતા હોય છે. દરમિયાન પર્યાવરણ સંદર્ભે આગામી 1લી ફેબ્રુઆરીનાં રોજ ફ્રાન્સનાં પર્યાવરણ મહિલા પ્રધાન બાર્બરા પોમપિલી સહિત 15 પ્રધાનોનું પ્રતિનિધિ મંડળ સુરત શહેરની મુલાકાતે આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરીજનોને સામૂહિક પ્રવાસની સેવા પૂરી પાડવા માટે સુરત મેટ્રો રેલ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ફ્રાન્સ દ્વારા મ.ન.પા.ને આર્થિક સહાય કરવામાં આવી છે. ફ્રાન્સનાં પર્યાવરણ પ્રધાનની મુલાકાત બાદ સુરત શહેર અને ફ્રાન્સ વચ્ચે કેટલાક પ્રોજેક્ટ માટે એમઓયુ થાય તેવી શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે. સુરત મહાનગરપાલિકાની કામગીરીથી પ્રભાવિત થઈને આગામી 1લી ફેબ્રુઆરીનાં રોજ ફ્રાન્સનાં પર્યાવરણ પ્રધાન બાર્બરા પોમપિલી સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે. ફ્રાન્સનાં પ્રધાનોનું પ્રતિનિધિ મંડળ એરપોર્ટથી સીધુ સુરત મ.ન.પા.ની કચેરી પહોંચશે. ત્યારબાદ મ.ન.પા.નાં વિવિધ પ્રોજેક્ટોની સમીક્ષા કરશે. જેને લઇને સુરત મહાનગરપાલિકા દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.